જૂનાગઢ ખાતે ઔદ્યોગિક ભરતી મેળામાં ૪૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

    જૂનાગઢ જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના આશયથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે બહુમાળી ભવન ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નોકરીદાતા અને નોકરીની શોધમાં રહેલા યુવાનો વચ્ચે સેતુરૂપ બનતા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ઉમેદવારોને ડિજિટલ માધ્યમો દ્વારા ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે પૈકી હાજર રહેલા લાયક ઉમેદવારોમાંથી ૪૫ જેટલા યુવાનોની પ્રાથમિક પસંદગી વિવિધ ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.

આ ભરતીમેળામાં જૂનાગઢની વિવિધ નોકરીદાતા સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોને સંસ્થામાં ખાલી રહેલ જગ્યાઓ, મળવાપાત્ર મહેનતાણું, અન્ય ભથ્થાંઓ અને સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતગાર કરી રૂબરૂ ઈન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અનુભવના આધારે યોગ્યતા ચકાસીને સ્થળ પર જ પસંદગીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

ભરતી પ્રક્રિયાની સાથે-સાથે રોજગાર કચેરીના તજજ્ઞ કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત રોજગારવાંચ્છુઓને કારકિર્દી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. યુવાનોમાં આત્મવિશ્વાસ વધારવા માટે મોટીવેશનલ સેશન યોજીને રોજગારીની તકો વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. તેમ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment