હિન્દ ન્યુઝ, સુરત
રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરતના પુણા વિસ્તારની મુલાકાત લઈ જનહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને પ્રગતિ હેઠળના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાતની શરૂઆતમાં તેમણે અશોક વાટિકા પાસે નિર્માણાધિન બોક્ષ ખાડીની મુલાકાત લઈ સ્વચ્છતા અને જાળવણીની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
શિક્ષણ અને બાળ કલ્યાણના ક્ષેત્રે મહત્વનું કદમ ઉઠાવતા મંત્રીએ પુણા ગામના માનસરોવર સોસાયટી ખાતે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી નવી આંગણવાડીનું રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, બાળકોને પાયાનું શિક્ષણ અને પોષણ આપવા માટે રાજ્ય સરકાર આધુનિક સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. વધુમાં, તેમણે પુણા વિસ્તારમાં નિર્માણ પામી રહેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી. આ નિર્માણ કાર્યમાં ગુણવત્તા સાથે તેને સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
