હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખુ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગો તેમજ અરજદારો સાથે રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમ્યાન અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રહેવાસી એવા જૈમિન ભુનાતરનો પ્રશ્ન હતો કે, તેમના પિતાશ્રીની જોબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ખાતે હતી. જેથી કરીને ત્યાં તેમણે તેમનું પોતાનું મકાન પણ લીધું હતું. જૈમિનભાઈના પિતાશ્રીના ગુજરી ગયા બાદ જૈમિનભાઈએ પીપલોદ ખાતેનું એમનું મકાન વેચવાનું વિચાર્યું હતું. પરંતુ ત્યારે જાણ થઇ કે, તેમની જમીન ક્ષેત્રફળમાં વધારો થયેલો જણાતો હતો. જે જે-તે સમયે તેમના મકાનના જમીન ક્ષેત્રફળમાં થયેલી ભૂલ હતી અથવા તો ભૂલથી અપડેટ કરી દેવાયું હતું. જેના કારણે તેઓ તેમના પિતાનું આં મકાન વેચી શકતા ન હતા.
જૈમિન ભુનાતર સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, મને મારા મિત્ર સર્કલમાંથી જિલ્લા સ્વાગત વિશે જાણકારી મેળવીને તારીખ ૧૦ માર્ચના રોજ મેં જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી. મારા પ્રશ્નને ઘણા વર્ષો થઇ ગયા હતા, મેં ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સોલ્વ નહોતો થતો. પરંતુ આજે યોજાયેલ જિલ્લા સ્વાગત દરમ્યાન દાહોદ જિલ્લા કલેકટર સાથે રૂબરૂ મુલાકાત થઇ અને મારો પ્રશ્ન કલેકટરએ રૂબરૂ સાંભળ્યો. આજે હું ખુબ જ ખુશ છું. હવે હું મારા પિતાનું મકાન વેચી શકીશ અને મારા આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે હું દાહોદ કલેકટર અને સરકારનો આભારી છું.
ઉલ્લેખનીય છે કે, સ્વાગત કાર્યક્રમ નાગરિકો અને પ્રશાસન વચ્ચે વિશ્વાસનો સેતુ બની રહ્યો છે. સ્વાગત કાર્યક્રમ દ્વારા પારદર્શક, જવાબદાર અને જનકેન્દ્રિત પ્રશાસનને વધુ મજબૂતી મળી રહી છે.
