હિન્દ ન્યુઝ, કાલાવડ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલમાં જામનગર અને દ્વારકા જિલ્લાના મીડિયા કર્મીઓ માટે નવી દિલ્હી ખાતે “સંસદ ભવન અને સંવિધાન સદન”ની મુલાકાતનો એક વિશેષ પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, આ કાર્યક્રમમાં કાલાવડ તાલુકાના અમુક પાયાના પત્રકારોને નિમંત્રણ ન પાઠવી તેમની ઘોર અવગણના કરવામાં આવતા સ્થાનિક મીડિયા આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સાંસદ દ્વારા આયોજિત આ પ્રવાસમાં બંને જિલ્લાના લગભગ તમામ તાલુકાના પ્રતિનિધિઓને સ્થાન મળ્યું હતું, પરંતુ કાલાવડના વર્ષોથી કાર્યરત પત્રકારોને યાદીમાંથી બાકાત રાખવામાં આવતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. પત્રકારોમાં એવી ચર્ચા છે કે આ અવગણના સાંસદની જાણ બહાર થઈ છે કે પછી કોઈ સ્થાનિક નેતા કે સંગઠન દ્વારા ઈરાદાપૂર્વક નામ કાપવામાં આવ્યા છે?
પોતાને અન્યાય થયાની લાગણી સાથે કાલાવડના પત્રકારોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. પત્રકારોનું કહેવું છે કે જો લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયામાં પણ ‘પસંદ-નાપસંદ’ની નીતિ ચાલશે તો તે આગામી સમય માટે જોખમી છે. આ મામલે પત્રકારો સંગઠિત થઈને સાંસદ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાની અને જરૂર પડે તો આગામી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની રણનીતિ ઘડી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ બાદ જવાબદારો દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે.


