હિન્દ ન્યુઝ, ગાંધીનગર
આગામી તારીખ 26 એપ્રીલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓ સંપૂર્ણપણે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આ મહત્વપૂર્ણ આયોજનના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ખાસ બેઠક યોજવામાં આવી.
આ બેઠકમાં વિશેષ કરીને જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી સર્વેલન્સ અને વધારાના સુરક્ષા દળોના આયોજન અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને મતદારો અચૂકપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે અર્થે સઘન ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
