“નિદાન: સંભાળ માટેનું પ્રથમ પગલું” થીમ અન્વયે વિશ્વભરમાં જાગૃતિ સંદેશ

હિન્દ ન્યુઝ, બોટાદ

     સમગ્ર વિશ્વમાં ૧૭ એપ્રિલના રોજ વર્લ્‍ડ ફેડરેશન ઓફ હિમોફીલિયા દ્વારા ‘‘વિશ્વ હિમોફીલિયા દિવસ‘‘ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “નિદાન: સંભાળ માટેનું પ્રથમ પગલું” થીમ અન્વયે વિશ્વભરમાં જાગૃતિ સંદેશ આપવામાં આવશે. 

        તો ચાલો હિમોફીલિયા વિશે જાણકારી મેળવીએ, હિમોફીલિયા એ એક પ્રકારનો આનુવંશિક રોગ છે, જેમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. માનવ શરીરના ૧૩ પ્રકારના ઘટકો (પ્રોટીન્સ) પૈકી કોઇ પણ એક પ્રોટીનની ખામીના લીધે રક્તસ્ત્રાવ થાય છે. અસહ્ય દુ:ખાવો, વધારે સોજો અને હંગામી કે કાયમી ધોરણે વિકલાંગતાથી પીડાતા હોય છે. સાંધાના રક્તસ્ત્રાવ માટે દર્દી અપંગ ન બને તે માટે નિયમિત ફીઝીયોથેરાપી લેવી પડે છે. દર ૧૦ હજારની વસ્તીએ એક દર્દીને આ રોગ થવાની સંભાવના છે. હિમોફીલિયા વારસાગત ખામી છે. જેની ઓળખ ગર્ભાધાનના શરૂઆતના તબક્કાથી પણ કરી શકાય છે. 

   હિમોફીલિયા રોગ કેવી રીતે આવે છે, તેને કેવી રીતે અટકાવવો, તેની સારવાર, અને નિદાન માટે હિમોફીલીયા ફેડરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકાર સાથે કાર્યરત છે. ભારતભરમાં હિમોફીલિયા સોસાયટીની ૧૦૨ સંસ્થા અને ગુજરાત રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, મહેસાણા એમ ૬ શહેરોમાં સંસ્થાઓ કાર્યરત છે. જ્યાંથી જાહેર જનતાને ચોક્કસ તથા સચોટ માહિતી, જરૂરી મદદ અને સાથ સહકાર મળી રહે છે. તમારું બાળક હિમોફિલિક હોવાની જાણ થાય કે શંકા હોઈ તો હિમોફીલિયા સોસાયટીનો સંપર્ક કરવો જોઈએ. 

        બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતાં ૩૬ વર્ષીય હિમોફીલિયાના દર્દી તથા ખેડૂત પુત્ર પ્રવિણભાઈ રણછોડભાઈ મેર જણાવે છે કે, તેઓને ૧૩ વર્ષની ઉંમરે હિમોફિલિયા હોવાનું નિદાન અમદાવાદ ખાતેની હોસ્પિટલ ખાતે થયું હતું. ત્યાર બાદ રાજકોટ હિમોફિલિયા સોસાયટી ખાતે સારવાર અને વિસ્તૃત માહિતી મેળવી હતી. હાલ, બોટાદ શહેરની સોનાવાલા હોસ્પિટલ ખાતે શ્રી પ્રવિણભાઈ સહીત અંદાજે ૨૭ દર્દીઓ નિઃશુલ્ક સારવાર લે છે. વધુમાં શિક્ષક પ્રવિણભાઈ જણાવે છે કે, નિદાન થયા પછીના સમયગાળા દરમિયાન ઇન્જેક્શન જરૂરિયાતના આધારે લેવા પડતા હતા.હવે શારીરિક રીતે સ્વાસ્થ્ય ઘણું સારું હોવાથી એક મહીનાનાં અંતરે એક ઇન્જેક્શન લેવું પડે છે. પ્રવિણભાઈ તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે સારું જીવન પણ જીવી રહ્યા છે. 

 ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૧માં ૩૮ દર્દીઓ સાથે શરૂ થયેલી રાજકોટ હિમોફીલિયા સોસાયટીમાં આજે ૭૧૮ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. સારવાર માટે દર્દીઓના વજનના પ્રમાણમાં ઈન્જેકશનના ડોઝ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પ્રોજક્ટ “સેવ વન લાઈફ” અન્વયે ૩૧ હિમોફિલિયાના દર્દીઓને દર મહીને નાણાંકીય સહાય આપવામાં આવે છે. ઉપરાંત, હિમોફીલીક દર્દીઓના પરિવાર દ્વારા હસ્તકલા, ગૃહ ઉપયોગી કે અન્ય રચનાત્મક વસ્તુઓની બનાવટોને સંસ્થા દ્વારા ખરીદી કરી પરિવારોને વેચાણમાં મદદરૂપ બની હેમોફીલીક દર્દીના પરિવારોને આર્થિક ઉન્મૂલન તરફ વાળવામાં સંસ્થા સહાયક બને છે.

Related posts

Leave a Comment