હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લામાં વાવાઝોડા સહિત ભારે વરસાદની આગાહી અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ પૂર્વ તૈયારીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શ્રીમતી ખ્યાતિ પટેલ તથા ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ગણદેવી તાલુકાના અમલસાડ અને સરીખુર્દ ગામ ખાતે સ્થળાંતરિત કરવામાં આવેલા નાગરિકો માટે ઉભા કરાયેલા આશ્રયસ્થાનોની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન આશ્રયસ્થાનોમાં રહેતા લોકો માટે ઉપલબ્ધ રહેઠાણ, પીવાનું પાણી, સ્વચ્છતા, આરોગ્ય, વીજળી તેમજ અન્ય જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર સંબંધિત અધિકારીઓને તમામ સુવિધાઓ સુચારૂ રીતે ઉપલબ્ધ રહે તેમજ સ્થળાંતરિત નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત અમલસાડ ખાતે પહોંચેલી આર્મીની ટીમ સાથે તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ, અગાઉ સર્જાયેલી પૂર પરિસ્થિતિ, સંવેદનશીલ વિસ્તારો તેમજ જરૂરિયાત મુજબ હાથ ધરવામાં આવનારી રાહત અને બચાવ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
