હિન્દ ન્યુઝ, નવસારી
ભારત હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અતિભારે વરસાદ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાનની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર જનતાની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જલાલપોર તાલુકાનું ઉભરાટ બીચ , દાંડી બીચ અને ઓંજલનું ચાંગલી ફળીયા બીચ આગામી સૂચના સુધી જાહેર જનતા માટે બંધ કરેલ છે.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો તેમજ વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ઉભરાટ બીચ , દાંડી બીચ અને ઓંજલનું ચાંગલી ફળીયા બીચની મુલાકાત લેવાનું ટાળે તેમજ દરિયાકિનારે જવાનું ટાળે. ભારે વરસાદના કારણે જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ જિલ્લા વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે, અફવાઓથી દૂર રહે અને કોઈપણ પ્રકારનું જોખમ ન લે.
