કાલાવડમાં ભાજપના કોર્પોરેટરનો ‘કાંડ’

હિન્દ ન્યુઝ, કાલાવડ

નશામાં ધૂત થઈ શિક્ષિકાને અભદ્ર ફોન કર્યાની ચર્ચાએ જોર પકડ્યું

     જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભાજપના એક કોર્પોરેટરની કરતૂતોને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. દારૂના નશામાં ધૂત થઈને એક પ્રતિષ્ઠિત શિક્ષિકાને રાત્રિના સમયે વારંવાર ફોન કરી અભદ્ર ભાષામાં વાત કરવાના મામલે ભારે હોબાળો મચ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે જ શાસક પક્ષના નેતાનો આ પ્રકારનો કથિત વ્યવહાર પક્ષ માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

     મળતી વિગતો અનુસાર, કાલાવડ ભાજપના એક કોર્પોરેટર દ્વારા રાત્રિના સમયે દારૂના નશામાં એક શિક્ષિકાને ફોન કરવામાં આવ્યા હતા. આ ફોન દરમિયાન કોર્પોરેટરે મર્યાદા ઓળંગીને અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને શિક્ષિકાને માનસિક રીતે હેરાન કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી વ્યથિત થઈને શિક્ષિકાએ કાલાવડ ટાઉન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માથે છે ત્યારે ભાજપના નેતાઓના એક પછી એક કાંડ બહાર આવતા પક્ષની છબી ખરડાઈ રહી છે. આ ઘટનાની જાણ થતા જ કાલાવડ ભાજપના ઉચ્ચ આગેવાનો દોડતા થયા હતા. ચૂંટણીમાં પક્ષને મોટું નુકસાન ન થાય તે હેતુથી રાજકીય વગનો ઉપયોગ કરી અને મધ્યસ્થી કરીને મામલો દબાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા.

     ચર્ચા મુજબ, ભાજપના આગેવાનોની સમજાવટ અને મધ્યસ્થી બાદ હાલ પૂરતો આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો છે, પરંતુ લોકમુખે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

      શિક્ષિકા સાથે થયેલા આ ગેરવર્તનને લઈને શૈક્ષણિક જગત અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે સત્તાના નશામાં અને દારૂના કેફમાં ચૂર નેતાઓ મહિલાઓની મર્યાદા પણ ભૂલી રહ્યા છે. જોકે, પોલીસ દફતરે આ મામલે સત્તાવાર રીતે શું કાર્યવાહી થઈ છે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સમગ્ર પંથકમાં આ ‘લપટ’ કોર્પોરેટરના કારનામાની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.

Related posts

Leave a Comment