“ગાંધીનગરના આંગણે લોકકલાનો મહાકુંભ: ‘વસંતોત્સવ’નો રંગારંગ પ્રારંભ,કલાકારો‌ પોતાની કલા થકી સંસ્કૃતિ કુંજને ગજવશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ‘કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી’ તથા ‘પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, ઉદયપુર’ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે વસંતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં લોકકલાના વિવિધ રંગોની સાથે હસ્તકલા પ્રદર્શન અને વેચાણનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

   આ મહોત્સવનો વિધિવત પ્રારંભ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આવા આયોજનોથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે છે, અને આપણી સમૃદ્ધ હસ્તકલા તેમજ લોકકલાની પરંપરા જીવંત રહે છે.
આ તકે યુવા અને રમતગમત વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

   વસંતોત્સવના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણ જામ્યું હતું, જેમાં ‘ભલા મોરી રામા’ ફેમ સુપ્રસિદ્ધ કલાકાર અરવિંદ વેગડાએ પોતાના પર્ફોર્મન્સથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

     ગણેશ વંદના સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં ગુજરાતના ભાતીગળ ગરબા અને ડાકલા ઉપરાંત,રાઠવા આદિવાસી નૃત્ય, પશ્ચિમ બંગાળનું પુરુલિયા છાઉ, આસામનું ‘બિહુ’,અને મણિપુરનું ‘થાંગ-ટા’ અને પુંગઢોલ છોલો નૃત્ય , મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય,તથા ગુજરાતના આદિવાસી સમાજનું સિદ્દિધમાલ‌ નૃત્ય, રાજસ્થાનની ભવાઇ અને હરિયાણાનું ફાગ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

     આ મહોત્સવની વિશેષતાઓની વાત કરવામાં આવે તો આ મહોત્સવમાં અંદાજે 500થી વધુ કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ કરશે અને સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ આ આયોજનનું મુખ્ય કેન્દ્ર છે.

     સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે આ મહોત્સવ આગામી 2 માર્ચ સુધી ચાલશે, જેમાં દરરોજ વિવિધ કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે. આ આયોજન દ્વારા ગુજરાતની અસ્મિતા અને વિવિધતામાં એકતાના દર્શન કરાવતી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment