રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહ નિમિત્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ‘પઝલ કોર્નર’નું ઉદ્ઘાટન

હિન્દ ન્યુઝ, ધરમપુર 

      રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે નવા ‘પઝલ કોર્નર’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પઝલ કોર્નરનું ઉદ્ઘાટન સતિશ વાની યુએસએ (મિશિગન) અને હરીશ પિંચૂરલે, ચિલ્ડ્રન ટોય ફાઉંડેશન, મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડ તથા બી આર સી કોર્ડિનેટર વલસાડ મિતેશભાઈ પટેલ,બ્યુરો ચીફ પત્રકારશ્રી મહેશભાઇ ટંડેલ અને વિવિધ શાળાના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્ર દેસાઇ તથા નેહરૂ સાઇન્સ સેંટર, મુંબઈના ડાયરેક્ટર ઉમેશકુમાર રૂસતગી નું મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સહકાર મળ્યો હતો.

    સતીશ વાણી 1970 થી કોયડાઓ પઝલ્સ પ્રત્યે અત્યંત ઉત્સાહી રહ્યા છે અને દુર્લભ તેમજ અનોખા પઝલ્સનો વિશાળ સંગ્રહ ધરાવે છે. નવા પઝલ કોર્નરમાં 100થી વધુ વિવિધ પ્રકારના પઝલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સર્વ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ કોર્નરનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં તર્કશક્તિ, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું વિકાસ કરવો છે.

   સતીશ વાણી અને હરીશ પિચુરલેએ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ના સ્ટાફ સભ્યો માટે બે દિવસીય વિશેષ તાલીમ સત્રનું આયોજન પણ કર્યું હતું. આ તાલીમ દરમિયાન વિવિધ પઝલ્સની કાર્યપદ્ધતિ, તેના વૈજ્ઞાનિક આધાર અને બાળકોને રસપ્રદ રીતે સમજાવવાની રીતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી ભવિષ્યમાં વધુને વધુ બાળકોને આ પઝલ્સ દ્વારા પ્રેરણા મળી શકે.

આ નવી પહેલ રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવે છે અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ

Related posts

Leave a Comment