હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો આજે ૨૬મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષાઓ શરુ થઇ છે.
વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને શુભકામનાઓ પાઠવવા માટે જામનગર જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરે પરીક્ષા કેન્દ્ર ડીસીસી હાઈસ્કુલની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે મળી શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટરશ્રીએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કેન્દ્ર પર નિયુક્ત અધિકારીઓ, શિક્ષકો અને સ્ટાફ સાથે ચર્ચા કરીને તમામ સુવિધાઓ બેઠકોની વ્યવસ્થા, પાણી, વીજળી, સ્વચ્છતા તથા સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા જીવનનું એક મહત્વપૂર્ણ પગથિયું છે, પરંતુ તે અંતિમ લક્ષ્ય નથી. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે, શાંતિપૂર્વક અને સકારાત્મક મનોભાવથી પરીક્ષા આપવી જોઈએ. મહેનત અને સંકલ્પ જ સફળતાની ચાવી છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમયપાલન, માર્ગદર્શિકા મુજબના નિયમોનું પાલન અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.
જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પ્રશાસન અને શિક્ષણ વિભાગ દ્વારા સુમેળભર્યું સંકલન સાધવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે
