સુરતના આંગણે ૧૭મા ‘જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સુરત

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ‘માય ભારત’ સુરત દ્વારા આયોજિત ૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ શુભારંભ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા નક્સલ પ્રભાવિત રાજ્યોના ૨૫૦ જનજાતીય યુવાનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ યુવાનો ગુજરાતની પ્રગતિ અને આતિથ્યની ઝાંખી કરશે.
અંતરિયાળ વિસ્તારના યુવાનોને વિકાસની મુખ્યધારામાં જોડી પ્રગતિના પંથે લઈ જવા અને રાષ્ટ્રીય એકતાની ભાવના પ્રબળ બનાવવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ગોવિંદભાઈ ધોળકિયાએ સહભાગી યુવાનો સાથે આત્મીય સંવાદ સાધી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જળસંચય અને આરોગ્ય ક્ષેત્રે પોતાના બહોળા અનુભવો વર્ણવી યુવાનોને સામાજિક જવાબદારીનું મહત્વ સમજાવ્યું હતું.

આ કાર્યક્રમમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સદ્દગુણ ગૌરાંગ દાસજી, ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ ચેરમેન મનીષ કાપડિયા સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા યુવાનોએ પોતાના વિસ્તારના અનુભવો રજૂ કર્યા હતા. સ્વાગત પ્રવચન માય ભારત-સુરતના ડે.ડાયરેક્ટર સચિન શર્મા દ્વારા રજૂ કરી યુવાનોને આગામી દિવસોમાં સુરતના પ્રખ્યાત ઉદ્યોગો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભ્રમણ સહિતના શિડ્યુલ, કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

Related posts

Leave a Comment