હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ના સેમેસ્ટર-૪ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓએ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 90.8 MHz ની ઔદ્યોગિક મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ FM વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ, લાઈવ સ્ટુડિયો સેટઅપ અને ટ્રાન્સમિશન પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી એનાલોગ કોમ્યુનિકેશન વિષયના સિદ્ધાંતોને પ્રાયોગિક કાર્યપ્રણાલી સાથે જોડવાનો અનોખો અનુભવ પ્રાપ્ત કર્યો.
આ મુલાકાત માત્ર ટેકનિકલ જ નહીં પરંતુ માનવતાના મૂલ્યો સાથે પણ સંકળાયેલી રહી. બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ સંસ્થા દ્વારા માનસિક મંદતા ધરાવતા બાળકો માટે સંચાલિત શાળા અને તેમની સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્રોત બન્યા. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન દ્વારા સામાજિક જાગૃતિ, આરોગ્ય, શિક્ષણ અને દાહોદ જિલ્લાના સિદ્ધિઓનું પ્રસારણ કરી સમાજસેવાનો ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડવામાં આવે છે.
આ મુલાકાત પ્રોબ્લેમ બેઝ લર્નિંગ એક્ટીવીટી અંતર્ગત ઇસી વિભાગના પ્રો. એસ. એન. ડામોર અને પ્રો. એ. બી. વાઘેલા દ્વારા આયોજન કરવામાં આવી હતી. કાર્યક્રમ વિભાગ વડા તથા પ્રિન્સિપાલની મંજૂરીથી યોજાયો હતો. બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ સંસ્થા ના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી યુસુફી એફ. કપાડિયા (જે પોતે દ્રષ્ટિબાધિત છે) તથા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શ્રી અબ્બાસ જે. ખારોડાવાલાના માર્ગદર્શન હેઠળ મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
આ મુલાકાતે વિદ્યાર્થીઓને “શીખતા શીખતા સેવા” નો સંદેશ આપ્યો — ટેકનોલોજી અને માનવતા સાથે ચાલે ત્યારે જ સાચો વિકાસ શક્ય બને છે.
