હિન્દ ન્યુઝ, ડાંગ
ખેડૂતોને સમગ્ર પ્રક્રિયામાં સહકાર આપવા અને કોઇપણ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો
ભારત સરકારની ‘એગ્રીસ્ટેક’ યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશથી ડિજિટલ ક્રોપ સર્વેની કાર્યપ્રણાલી અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્યને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે, સરકારે AI બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે.
હાલમાં રવિ ઋતુ દરમિયાન, સર્વેયરો દ્વારા ખેતરોની મુલાકાત લઈને મોબાઇલ એપ્લિકેશન દ્વારા પાકના ભૌગોલિક સ્થાન (જીઓ-ટેગ) સાથે ફોટા અને વિગતો રેકોર્ડ કરવામાં આવેલ છે. આ ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા AI બોટનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.
ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ થયેલા ખેડૂતોને ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ કોલ અને મેસેજ દ્વારા ખેડૂતો પાસેથી તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે.
ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આવા કોલ અથવા મેસેજ પર તેમના ખેતર અને પાકની સાચી અને સચોટ માહિતી આપે.
આ એક સરકારી પહેલ હોવાથી, કોઈપણ પ્રકારની અફવાઓ અથવા ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ પગલું ખેતી સંબંધિત ડેટાને વધુ પારદર્શક બનાવવા અને ભવિષ્યમાં ખેડૂતોને સરકારી યોજનાઓના લાભ ઝડપથી મળી શકે તે માટે લેવાયેલ છે.
રાજ્યના તમામ ખેડૂતોને આ ડિજિટલ પહેલમાં સક્રિય સહયોગ આપવા અને સરકારી પ્રક્રિયાઓ પ્રત્યે જાગૃત રહેવાની અપીલ કરવામાં આવી છે.
