હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તથા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ દીકરીના જન્મને ઉત્સાહભેર વધાવવા “દીકરી વધામણા કીટ” વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા તેમજ “બેટી બચાવો, બેટી પઢાઓ “અભિયાનને વધુ બળ આપવાનો હતો.
“બેટી બચાવો, બેટી પઢાઓ ” જેવા સરકારી અભિયાનને વધુ બળ આપવા માટે દીકરીના જન્મને વધાવવા સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ વિવિધ તાલુકાઓમાં “દીકરી વધામણા કીટ” વિતરણનું આયોજન કરેલ. આ માત્ર એક યોજના ન રહેતા, સામાજિક પરિવર્તન તરફનું એક મહત્વનું પગલું સાબિત થયું. દીકરીને સાક્ષાત દેવીનું સ્વરૂપ માનીને તેના જન્મને આટલા ઉત્સાહ અને સન્માન સાથે વધાવવાની આ પહેલ સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ છે. આ પ્રકારના કાર્યક્રમો દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવને દૂર કરવામાં અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં ચોક્કસપણે મદદરૂપ થશે અને આપણે સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ.
કાર્યક્રમ દરમિયાન નવજાત બાળકીઓના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. અને “વ્હાલી દીકરી યોજના” અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું અને અરજી ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
