હિન્દ ન્યુઝ, મોરબી
સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા અને તેમને રોજગારી પૂરી પાડતા નોકરીદાતાઓને બિરદાવવા માટે ‘દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬’ ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓના રોજગારલક્ષી પુન:વસન અને તેમને સક્ષમ બનાવવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સને રાજ્ય કક્ષાના પારિતોષિક એનાયત કરવામાં આવશે.
આ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ, સ્વરોજગાર કરતા દિવ્યાંગો, નોકરીદાતાઓ કે પ્લેસમેન્ટ ઓફિસોએ નિયત નમૂનામાં ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે બે નકલમાં અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ-અલગ ફોર્મ ભરવાના રહે છે. લાયક ઉમેદવારો કે સંસ્થાઓએ આ ફોર્મ તા.૨૬/૦૨/૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી ખાતે રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવાના રહેશે.
અધૂરી વિગત ધરાવતી અથવા નિયત સમય મર્યાદા બાદની અરજીઓ રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહીં. આ સ્પર્ધાના જરૂરી ફોર્મ https://anubandham.gujarat.gov.in/notice-board વેબસાઇટ પરથી મેળવી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરી મોરબી ખાતેથી વિના મૂલ્યે મેળવી શકાશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જાણવાયું છે.
