હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી ખાતે આયોજિત મેરેથોન દોડમાં એક નાનકડી દીકરીએ પોતાની અદભૂત ક્ષમતાનું પ્રદર્શન કરી સૌને અચંબિત કરી દીધા હતા. છોટાઉદેપુર ખાતે બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા અધિકારીની માત્ર ૭ વર્ષની પુત્રી અનામિકાએ ૨૧ કિલોમીટરની લાંબી દોડ (હાફ મેરેથોન) માત્ર ૩ કલાક અને ૨૫ મિનિટમાં પૂર્ણ કરીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.
આટલી નાની વયે ૨૧ કિમીની દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરવી એ શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યુ હતું. અનામિકાની આ પ્રેરણાદાયી સિદ્ધિને બિરદાવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેને પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિન્હ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.અનામિકા અગાઉ અંકલેશ્વર ખાતે યોજાયેલ ૨૧ કિ.મી. દોડ તેમજ અન્ય ૧૦ કિ.મી.ની દોડ સ્પર્ધાઓમાં પણ ઉત્સાહભેર ભાગ લઈ ચૂકી હતી.
અનામિકાના માતા-પિતાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમની દીકરી આગામી સમયમાં વધુ સખત પરિશ્રમ કરી વર્ષ ૨૦૩૬માં યોજાનાર ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે અને દેશ માટે મેડલ જીતીને ભારતનું નામ રોશન કરે તેવું તેમનું લક્ષ્ય છે.
આ નાનકડી દોડવીરની સફળતાએ જિલ્લાના અન્ય રમતવીરો અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. ઉપસ્થિત મહાનુભાવો અને દોડપ્રેમીઓએ અનામિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
