કવાંટ તાલુકાના ૭૧ ગામોમાં ‘બાળ લગ્ન નાબૂદી જાગૃતિ રથ’ ભ્રમણ કરશે

હિન્દ ન્યુઝ, કવાંટ 

    છોટાઉદેપુર જિલ્લામાં બાળ લગ્નના દૂષણને જળમૂળથી નાબૂદ કરવા અને ગ્રામીણ સ્તરે વ્યાપક જનજાગૃતિ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને દિશા ડોન બોસ્કો, કવાંટના સંયુક્ત ઉપક્રમે ‘બાળ લગ્ન નાબૂદી જાગૃતિ રથ’નું પ્રસ્થાન કરાવી અભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ જાગૃતિ રથ આગામી દિવસોમાં કવાંટ તાલુકાના અંદાજે ૭૧ જેટલા ગામોમાં ભ્રમણ કરશે. આ ભ્રમણ દરમિયાન પ્રસાર અને ગ્રામીણ બેઠકો યોજીને ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’નો સંદેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામડાઓમાં વસતા લોકોને બાળ લગ્નના ગેરફાયદા અને કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સામૂહિક રીતે બાળ લગ્ન ન કરવા અને અટકાવવા માટેના શપથ લેવડાવવામાં આવશે. તદુપરાંત, જો કોઈ વિસ્તારમાં બાળ લગ્ન થતા હોવાની જાણ થાય, તો તાત્કાલિક જવાબદાર તંત્રને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવશે, જેથી સમયસર કાર્યવાહી કરી નિર્દોષ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય છે. 

આ કાર્યક્રમમાં ફૂલ ટાઇમ સેક્રેટરી ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરિટી, છોટાઉદેપુરનાં જજ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના પ્રતિનિધિ ચીફ ઓફિસર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, દિશા ડોન બોસ્કો, કવાંટના પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા સંસ્થાનો સમગ્ર સ્ટાફ, સમલવાંટ ગ્રામ પંચાયતના સરપંચ, સ્થાનિક આગેવાનો તેમજ શાળાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment