જૂનાગઢની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ની મુલાકાતે રીવાબા જાડેજા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

      શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની જૂનાગઢની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ માટેનો અનેરો વાત્સલ્યભાવ સાથે સહજતા, સરળતા અને નિખાલસતા જોવા મળી હતી.   

રાજ્ય શિક્ષણ મંત્રીએ શાળાની બહુ આયામી શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓથી અવગત થયા હતા, આ સાથે જ વિદ્યાર્થીનીઓ સાથે સહજ અને આત્મીય સંવાદ સાધી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીનીઓ સાથે નીચે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું હતું અને વિદ્યાર્થીનીઓ સાથે એક વિદ્યાર્થીની બની ખો ખો રમત માં સહભાગી બન્યા હતા. અને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારી તેમને ખેલકુદના ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે પ્રેરણા પણ આપી હતી. 

આ ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રીએ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિજ્ઞાનના સિદ્ધાંતો અને રહસ્યોને ઉજાગર કરતા પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત શાળામાં ગ્રીનહાઉસ તૈયાર કરવામાં આવ્યું છે, તેની મુલાકાત કરી હતી.

આ તકે શિક્ષણ રાજ્ય મંત્રીએ પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવતા તેની તકતીનો પણ અનાવરણ કર્યું હતું. 

શિક્ષણ રાજ્ય મંત્રીએ આ પ્રસંગે શાળાની જ વિદ્યાર્થીની કુ. પ્રીતિબેન ગુજરાતી દ્વારા લેખિત બાળવાર્તાની પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું અને સાથે જ આટલી નાની ઉંમરે સાહિત્ય સર્જન માટે વિશેષ અભિનંદન આપ્યા હતા.

રાજ્ય શિક્ષણ મંત્રીએ પ્રાથમિક કન્યાશાળા નંબર ૪ના એસએમસી સમિતિના સભ્યો અને વાલીઓ સાથે પણ બેઠક યોજી, શૈક્ષણિક સુવિધાઓ, વ્યવસ્થાઓ અને શિક્ષણ પદ્ધતિને વધુ સુદ્રઢ બનાવવા માટે પણ પરામર્શ કર્યો હતો, એસએમસીના સભ્યો અને વાલીગણે પણ પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ની શૈક્ષણિક કાર્ય માટેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.

શિક્ષણ રાજ્ય મંત્રીની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય સહિતના પદાધિકારી અધિકારીઓએ વિદ્યાર્થીનીઓ સાથે નીચે બેસી મધ્યાહન ભોજન લીધું હતું.

રાજ્ય શિક્ષણ મંત્રીને આચાર્ય અલ્તાફભાઈ વિરાણીએ શાળાના જુદા જુદા શૈક્ષણિક આયામો અને રચનાત્મક પ્રવૃત્તિઓ પ્રોજેક્ટથી અવગત કર્યા હતા. ઉપરાંત શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, પીએમ પ્રાથમિક કન્યા શાળા નંબર ૪માં એડમિશન લેવા માટે વેઇટિંગ લિસ્ટ રહે છે અને ખાનગી શાળાઓ છોડીને પણ આ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે છે.

Related posts

Leave a Comment