હિન્દ ન્યુઝ, સુરત
કોસંબા, માંગરોળ અને ઝંખવાવ વિસ્તારમાં મુસાફરી કરતા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરો માટે કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામાં થકી ભારે તથા અતિભારે વાહનો માટે તા.૧૫ ફેબ્રુઆરી સુધી વાહનો માટે આ રસ્તો બંધ કરી ડાયવર્ઝન જાહેર કર્યું છે.
કોસંબા-માંગરોળ-ઝંખવાવ રોડ પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી, સલામતીના ભાગરૂપે આ રસ્તા પર ભારે વાહનોની અવર-જવર પર કામચલાઉ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે ભારે વાહનો અને માલવાહક વાહનોએ કોસંબા-માંગરોળ-ઝંખવાવ તરફ જવા તેમજ આવવા માટે નીચે મુજબના ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.
આ માટે તા.૧૫ ફેબ્રુઆરી સુધી કોસંબા થી કિમ ચોકડી, તડકેશ્વર, નાની નરોલી, મોસાલી ચોકડી થઈ ઝંખવાવ બાજુનો બંને તરફી રોડ વાપરી શકાશે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વાહનચાલકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
