ભારતના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ: ગાંધીનગર જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    આપણી આઝાદી આ વીર શહીદોના બલિદાનનું પરિણામ છે, તેમની સ્મૃતિમાં મૌન પાળીને આપણે માત્ર તેમને શ્રદ્ધાંજલિ જ નથી આપતા, પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજો નિભાવવાનો સંકલ્પ પણ દોહરાવીએ છીએ -કલેકટર મેહુલ કે.દવે

      ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો તથા મહાત્મા ગાંધીજીની ૭૮મી પુણ્ય તિથિની સ્મૃતિમાં આજે સમગ્ર દેશની સાથે ગાંધીનગર ખાતે પણ ‘શહીદ દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. 

     આ અવસરે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવે સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

      ઉલ્લેખનીય છે કે,આજે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતપોતાના સ્થાને ઉભા રહી બે મિનિટનું મૌન પાળ્યું હતું.આ અવસરે જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે,તા.૩૦મી જાન્યુઆરી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર વીર સપૂતો, દેશના હિત માટે રક્ષા માટે પોતાના પ્રાણી આહુતિ આપનારા એ તમામ વીરોના યોગદાનને યાદ કરવામાં આવે છે.

 આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, “આપણી આઝાદી આ વીર શહીદોના બલિદાનનું પરિણામ છે. તેમની સ્મૃતિમાં મૌન પાળીને આપણે માત્ર તેમને શ્રદ્ધાંજલિ જ નથી આપતા, પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજો નિભાવવાનો સંકલ્પ પણ દોહરાવીએ છીએ.”

   સમગ્ર કાર્યક્રમ અત્યંત શિસ્તબદ્ધ અને ગંભીર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ તકે જિલ્લા કલેક્ટરની સાથે નિવાસી અધિક કલેક્ટર નિશા શર્મા, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારીઓ જોડાઈને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment