હિન્દ ન્યુઝ, ડાંગ
મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ દ્વારા તારીખ ૨૪ જાન્યુઆરીના રોજ જનરલ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન શ્રીમતિ સારૂબેન વળવીના અધ્યક્ષતામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત દિકરી વધામણા કિટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઊજવણી કરવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૨૦૦૮ માં આ દિવસની ઊજવણી કરવાની શરૂઆત કરી હતી. દીકરીઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને અસામનતા દૂર કરવાના ઉદ્દેશ્યથી આ દિવસની ઊજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મનું પ્રમાણ વધે, દીકરીના શિક્ષણમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા “વ્હાલી દીકરી” યોજના અમલમાં મૂકી છે. આ યોજના થકી દીકરીઓને ૧ લાખ ૧૦ હજારની સહાય આપવામાં આવે છે.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષાબેન મુલતાનીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાનો હેતુ, દિકરીઓના અધિકારોનું મહત્વ તેમજ સમાજમાં લિંગ સમાનતા સ્થાપિત કરવા માટેની આવશ્યકતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દિકરીઓનું શિક્ષણ અને આરોગ્ય સુનિશ્ચિત કરવાથી જ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. સાથે જ તેમણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી તથા સુરક્ષાલક્ષી યોજનાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી.
આ પ્રસંગે શ્રીમતિ સારૂબેન વળવીએ જણાવ્યું હતું કે, દિકરીઓ સમાજની અડગ શક્તિ છે અને તેમનું શિક્ષણ, આરોગ્ય તથા સુરક્ષા એ દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે દિકરીઓ પ્રત્યે થતા ભેદભાવ, બાળલગ્ન, શોષણ તથા ઘરેલુ અને સામાજિક હિંસા જેવા મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે આવા દુષણો સામે સરકાર દ્વારા અમલમાં રહેલી કાયદાકીય જોગવાઈઓ અને સુરક્ષાલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે ચેરમેન શ્રીમતિ સારૂબેન વળવીના હસ્તે દિકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ વિતરણ દ્વારા દિકરીઓના પોષણ, સંભાળ અને કલ્યાણ અંગે સકારાત્મક સંદેશ સમાજમાં પ્રસારીત થયો હતો.
