હિન્દ ન્યુઝ, નવસારી
કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર-મહાવિદ્યાલય ખો-ખો સ્પર્ધાનું આયોજન તા.૦૭ અને ૦૮ દરમિયાન નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ૧૦ પુરુષ અને ૦૯ મહિલા ટીમો સહિત અંદાજે ૨૨૮ અભ્યાસાર્થીઓ તથા ૧૦ જેટલા ટીમ મેનેજરોએ ભાગ લીધો હતો.
સમાપન તથા ઇનામ વિતરણ સમારોહમાં યુનિ. ના કુલપતિ ડો. પી. એચ. ટાંક, પ્રો. જૈમીન નાયક અને ડૉ. બી. એન. પટેલ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં પુરુષ વર્ગમાં વેટરનરી કોલેજ, સરદારકૃષિનગર ની ટીમે ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી, જ્યારે વેટરનરી કોલેજ, જૂનાગઢની ટીમ ઉપવિજેતા રહી હતી. મહિલા વર્ગમાં વેટરનરી કોલેજ, નવસારી ની ટીમ વિજેતા બની હતી અને ડેરી કોલેજ, આણંદની ટીમ ઉપવિજેતા રહી હતી. ડૉ. પી. એચ. ટાંકે અભિનંદન પાઠવતા જણાવ્યું કે, રમત વિદ્યાર્થીઓમાં શિસ્ત, સહનશીલતા અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસતો કરે જ છે અને આપણી પરંપરાગત રમતો શારીરિક સ્વાસ્થ્ય સાથે ટીમવર્ક, ચપળતા અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે વિજેતા તથા ઉપવિજેતા ટીમોને ટ્રોફી, પ્રમાણપત્રો તથા મેડલો મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
