હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/ નું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લૉન્ચિંગ કર્યું.
ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી જનગણના ગુજરાતની નવી વેબસાઈટમાં મોડર્ન એલિમેન્ટ્સ, ઈઝી મેનુ અને મલ્ટિ-લેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે.
ડિજિટલ ગવર્નન્સ દ્વારા જનગણનાથી જનકલ્યાણનો માનનીય વડાપ્રધાનનો હેતુ પાર પડશે અને કલ્યાણ યોજનાઓના અસરકારક આયોજન-અમલથી સંતુલિત વિકાસને બળ મળશે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને આયોજનથી સંતુલિત વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે જનગણનાથી જનકલ્યાણની ટેગ લાઈનને સુસંગત છે, જેને નવી વેબસાઈટ લોન્ચિંગથી વધુ બળ મળશે.
મુખ્યમંત્રીએ આ વખતે દેશની આગામી જનગણના 2027 અંતર્ગત પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતા કહ્યું હતું કે, નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત, સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે. તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સિપિરિયન્સ મળશે.
