હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેંટિયા (PHC Rentiya) ખાતે આરોગ્ય વિભાગના તબીબી સ્ટાફના સહયોગથી એક જ દિવસે કુલ ૫ ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
આ પ્રસંગે કુલ ૪ બાળકી અને ૧ બાળકનો જન્મ થયો હતો. આનંદની વાત એ છે કે, તમામ માતાઓ અને નવજાત બાળકો સ્વસ્થ છે.
આરોગ્ય કેન્દ્રની ટીમે તાત્કાલિક તબીબી સુવિધાઓ અને યોગ્ય સંભાળ સાથે તમામ પ્રસવો સુરક્ષિત રીતે પૂર્ણ કર્યા છે. તમામ પરિવારોએ આરોગ્ય સ્ટાફ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આનંદની લાગણી અનુભવી હતી.
આ સફળ કામગીરી માટે રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર તબીબી ટીમ, નર્સો તેમજ સહાયક સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. મહિલા અને બાળકના આરોગ્ય ક્ષેત્રે આવા સેવાકીય પ્રયાસો ગામડાં સ્તરે આરોગ્ય સેવા મજબૂત બનાવી રહ્યા છે.
