વડોદરાના બે યુવાન વેઇટલિફ્ટર્સ ગુજરાત તરફથી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેશે

હિન્દ ન્યુઝ, વડોદરા

    વડોદરાની રમત જગતમાં ખુશીની લહેર ફેલાઈ છે, કારણ કે શહેરના બે યુવાનોએ વેઇટલિફ્ટિંગમાં મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરાની અસ્મા ઝાબુઆવાલા અને અશોક રબારીએ રાજ્ય લેવલની SGFI (School Games Federation of India) સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને હવે રાષ્ટ્રીય SGFI ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું નિશ્ચય થયુ છે.

અસ્મા ઝાબુઆવાલાએ 86+ કિલોગ્રામ શ્રેણી અને અશોક રબારીએ 79 કિલોગ્રામ શ્રેણી માટે ગોલ્ડ મેડલ જીતી વડોદરાનું નામ રોશન કર્યું છે. બંને માટે આ જિંદગીની પહેલી રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા છે.વડોદરાના બીજા બે ખેલાડીઓ ઓમ શર્મા અને દિપેશ આહિરએ પણ સારી રમત બતાવી અને પોતાની શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યા.

આ તમામ ખેલાડીઓએ જૂનાગઢ ખાતે 26 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 દરમ્યાન યોજાયેલી 69મી અખિલ ભારતીય શાળાકીય રાજ્ય કક્ષા અં.17 / 19 ( ભાઈઓ/બહેનો ) વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાજ્યભરના 150થી વધુ છોકરાઓ અને 100થી વધુ છોકરીઓએ ભાગ લીધો હતો.

બન્ને ખેલાડીઓના કોચ સન્ની બાવચાએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું, દર વર્ષે અમારી ટીમમાંથી કોઈ એક ખેલાડી રાષ્ટ્રીય લેવલ માટે પસંદ થતો હતો, પણ આ વખતે એક છોકરી અને એક છોકરો બન્ને પસંદ થયા છે. આ અમારી ટીમ માટે ગર્વની વાત છે.

વડોદરાના માટે આ એક મોટી સફળતા છે. આશા છે કે આ યુવાનો રાષ્ટ્રીય મંચ પર પણ આ જ રીતે દમદાર પ્રદર્શન કરી ગુજરાતનું નામ ઉંચું કરશે.

Related posts

Leave a Comment