હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરાના શિનોર તાલુકાનું બાવળિયા ગામ. આ ધરતી પર એક એવી નારીશક્તિ ખીલી છે, જેમણે ‘ધરતી સખી મંડળ’ માં જોડાઈ આર્થિક સહાય મેળવીને ગીર ગાયના ઘીના વેચાણ થકી માત્ર પોતાની નહીં, પણ ઘરની ઓળખ બદલી નાખી છે.
વાત છે ધર્મિષ્ઠાબેન વનરાજસિંહ ચૌહાણ ની. આજથી ત્રણ વર્ષ પહેલાં, જ્યારે ધર્મિષ્ઠાબેન સખી મંડળ સાથે જોડાયા, ત્યારે તેમને મળેલી આર્થિક સહાય એક નાનકડા બીજ સમાન હતી. આ બીજને તેમણે પોતાના ૧૫૦ ગીર ગાયોની ગૌશાળાના પવિત્ર વાતાવરણમાં વાવ્યું. ધર્મિષ્ઠાબેને પોતાના ઘરે બેઠા જ ભારતીય સંસ્કૃતિનું અમૃત, એટલે કે ઘી, દૂધ અને છાશને વ્યવસાયનું સ્વરૂપ આપ્યું.
આજે તેમની ગૌશાળ માંથી દરરોજ ૧૧૦ લિટર દૂધ અને ૩૦ લિટર છાશના વેચાય છે. જોકે, તેમના ઉત્પાદનોનો તાજ તો તેમની મુખ્ય બનાવટ – ગીર ગાયનું શુદ્ધ ઘી છે, જેની સુવાસ વડોદરાના ખૂણે-ખૂણામાં પ્રસરી છે.
આ સફળતાનો માર્ગ તેમને વડોદરા એ. પી. એમ. સી. ખાતેના શીપાક એફ. પી. ઓ. સુધી લઈ ગયો, જ્યાં તેમના ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ધૂમ વેચાણ થાય છે. જેના પરિણામે ધર્મિષ્ઠાબેન દૂધ ઉત્પાદનોમાંથી જ દર વર્ષે આશરે ₹૩૦-૩૫ લાખની નોંધપાત્ર આવક મેળવી રહ્યાં છે.
ધર્મિષ્ઠાબેનની સફર માત્ર ગૌ-પાલન પૂરતી સીમિત નથી. તેમનો પરિવાર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર વગર ખેતી કરી ધરતીને પણ નવું જીવન આપી રહી છે. તેમના ખેતરમાં જીરું, ધાણા, મરચું, હળદર અને આદુ જેવા મસાલા; નાગલી, સામો, કોદરી જેવા જાડા ધાન્યો અનેક પ્રકારના કઠોળની ખેતી કરવામાં આવે છે અને લીલા શાકભાજીની તો વાત જ ન પૂછો!
પ્રાકૃતિક ખેતીના આ તમામ ઉત્પાદનોનું વેચાણ ઓનલાઇન માધ્યમો દ્વારા અને શિપાક એફ. પી. ઓ. ખાતે જોરશોરથી થઈ રહ્યું છે. લોકો શુદ્ધતા માટે ધર્મિષ્ઠાબેનના ઉત્પાદનો પર આંખ બંધ કરીને ભરોસો મૂકે છે.
જ્યારે સખી મંડળનો ટેકો, ગૌ-માતાના આશીર્વાદ અને ધરતી પ્રત્યેનો પ્રેમ મળે છે, ત્યારે નારી શક્તિ ગામડાની સીમમાંથી પણ લાખોના વ્યાપારનું સર્જન કરી શકે છે. આમ, ધર્મિષ્ઠાબેન અન્ય પ્રકૃતિ પ્રેમી ખેડૂત અને અનેક મહિલાઓ માટે પ્રેરણાનું ઉદાહરણ છે.
