વડોદરાના પંડાલોમાં યોગ મુદ્રામાં ગણેશજી બન્યા આકર્ષણનું કેન્દ્ર

હિન્દ ન્યુઝ, વડોદરા

સંસ્કારી નગરી તથા ઉત્સવનગરી વડોદરા શહેર ગણેશ મહોત્સવની ભવ્યતા અને નવીનતાને લઈને જાણીતું છે. દર વર્ષે હજારો પંડાલો અનોખા થીમ સાથે શણગારાય છે અને ભક્તો સુધી નવા સંદેશાઓ પહોંચાડે છે. આ વર્ષનું મુખ્ય આકર્ષણ – યોગ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ છે.

યોગ થીમ

બાજવાડા યુવક મંડળે ખત્રીવાડ સ્થિત રોકડનાથ મંદિર પાછળ બનાવેલા પંડાલમાં ભગવાન ગણેશને વિવિધ યોગ મુદ્રાઓમાં પ્રતિષ્ઠિત કર્યા છે. દિવાલો પર વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરુ બાબા રામદેવના યોગ કરતી તસ્વીરો, સાથે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી પ્રેરક છબીઓ સુશોભિત કરી છે.

મંડળના આયોજકો એ જણાવ્યું કે, “યોગ આપણા પ્રાચીન સંસ્કાર છે, જે શરીર-મનને તંદુરસ્ત રાખે છે. ખાસ કરીને યુવાનોને મોબાઇલથી દૂર રહી શારીરિક પ્રવૃત્તિઓ અપનાવવી જોઈએ.”

ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ

પર્યાવરણ રક્ષણના સંદેશ સાથે શહેરના આર્ટીસ્ટો જુના અખબાર, પાંદડા, નારિયેળનો કચરો જેવી ઇકો-ફ્રેન્ડલી સામગ્રીમાંથી ગણેશ મૂર્તિઓ બનાવે છે. જેમાં ખાસ કરીને કારેલીબાગની વલ્લભ નગર સોસાયટીના શ્રી ગણેશ મંડળે કેસુડાના પાંદડાથી બનેલી 9.5 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરી છે. છેલ્લા નવ વર્ષથી તેઓ આ પ્રકરની ઇકોફ્રેન્ડલી પરંપરાનું પાલન કરી રહ્યા છે અને મૂર્તિનું વિસર્જન કર્યા વગર તેને ખાતરમાં ફેરવી પર્યાવરણને બચાવવાનો અનોખો સંદેશ આપે છે.

ભક્તિનો સાચો અર્થ

આ તમામ થીમ સાબિત કરે છે કે ગણેશોત્સવ ફક્ત ભવ્ય પૂજા પૂરતું નથી, પરંતુ સ્વાસ્થ્ય, પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અને સકારાત્મક જીવનશૈલી તરફનું પ્રેરણાસ્ત્રોત છે.

Related posts

Leave a Comment