હિન્દ ન્યુઝ, જામનગર
ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય સતારભાઈ વાઘેલાનું માર્ગ અકસ્માતમાં અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સતારભાઈના અવસાનથી તેમના ધર્મપત્ની વિનુબેન વાઘેલા અને દસ વર્ષથી નીચેના તેમના ચાર બાળકો નિરાધાર બન્યા હતા. અતિ સામાન્ય સ્થિતિમાં જીવન નિર્વાહ કરતા પરિવારને આ કપરી ઘડીમાં ધ્રોલ વહીવટી તંત્ર મદદે આવ્યું હતું અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી પરિવારને સહાયરૂપ થયું હતું.
ધ્રોલ પ્રાંત અધિકારી તથા મામલતદારએ આ ઘટનામાં સંવેદના દાખવી હતી અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ, તેઓએ સ્વ. સતારભાઈ વાઘેલાનું મરણ પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું. ત્યારબાદ, પરિવારને મળવાપાત્ર તમામ યોજનાકીય સહાય મળે તે માટે કાર્યવાહી શરૂ કરી હતી. તંત્રની મદદથી વિનુબેનની ગંગા સ્વરૂપા સહાય શરૂ થઈ હતી અને તેમને રાહત દરે અનાજ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આટલેથી જ ન અટકતા, વિનુબેનને આર્થિક મદદ મળી રહે તે માટે ધ્રોલ વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી કાર્યાલયમાં દરખાસ્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા પણ આ દરખાસ્તની સંવેદના અને જરૂરિયાતને સમજીને તાત્કાલિક સતારભાઈના પરિવાર માટે રૂ. ચાર લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.
મંજૂર થયેલી આ સહાય ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ધ્રોલ પ્રાંત અધિકારી તથા મામલતદારની ઉપસ્થિતિમાં પરિવારજનોને અર્પણ કરવામાં આવી હતી. આ ઘટના મુખ્યમંત્રી કાર્યાલય તથા વહીવટી તંત્રની સંવેદનશીલતા અને નાગરિકો પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
