હિન્દ ન્યુઝ, ભુજ
આજના સમયમાં રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણ બંનેને મોટાપાયે નુકશાન થઇ રહ્યું છે ત્યારે કચ્છના માંડવી તાલુકાના નાની વીરાણીમાં ખેતી કરતા કિશોર ઠાકરશી પાસડ ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈનધર્મના સિંધ્ધાત મુજબ જીવહિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૭૦ વર્ષના કિશોરભાઇ ૧૫ વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી ત્યારથી અત્યારસુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી. પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિધ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે. આટલું જ નહીં, પરંતુ તેના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને દેશ-વિદેશમાં તેની નિકાસ પણ કરી રહ્યા છે. અવનવા પ્રયોગ કરતા તેઓ વર્તમાન સમયમાં બજારમાં વેચાઇ ન શકે તેવી ખારેક બગડે નહીં તે માટે તેમાંથી જ્યૂસ કાઢીને તેના વેચાણ માટેની દિશામાં પ્રયત્નશીલ છે. જો આ પ્રયોગ સફળ થાય તો કચ્છના ખારેક ઉગાડતા અનેક ખેડૂત જેઓનો પાક વરસાદના કારણે અસરગ્રસ્ત થયા બાદ બજારમાં વેચવા લાયક રહેતો નથી તેઓ માટે કમાણીના નવા દરવાજા ખુલશે.
મૂળ માંડવી તાલુકાના શેરડી ગામના કિશોરભાઇ પાસડ વર્ષો સુધી મુંબઇમાં મોટા વેપારી તરીકે નામના અને વેપાર કર્યા બાદ વતનની વાટ પકડીને બાપદાદાના સમયની ખેતીમાં ઝુકાવ્યું. તાલુકાના નાની વીરાણી પાસે ૨૫ એકરમાં તેઓ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ખેતી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, અમારા વડવા પણ પ્રાકૃતિક ખેતી જ કરતા હતા. તેમના જ સંસ્કાર અપનાવીને હું પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. જેમાં બાગાયતી પાકોમાં ખારેક, આંબા સાથે શાકભાજી, અનાજ પણ વાવીએ છીએ. સમગ્ર ઉત્પાદન સમયે ગૌ આધારીત ખેતી કરી છીએ. જીવામૃત, ધનામૃતના મારફતે ખેતી કરું છું. જીવામૃત માટે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કર્યો છે. જેનું કનેકશન પાણીના સ્ત્રોત સાથે હોવાથી સીધું જ વાડીમાં છોડના મૂળમાં જાય છે. ટેક્નોલોજીના માધ્યમથી સરળ રીતે ખાતર-પાણી સહિતની વ્યવસ્થા થઇ જાય છે.
પાકના મૂલ્યવર્ધનથી અઢળક નફો –
કિશોરભાઇ જણાવે છે કે, જે રીતે કંપનીઓ પોતાની ઉત્પાદિત ચીજોની એમઆરપી નક્કી કરીને બજારમાં વેચે છે તે જ રીતે ખેડૂત જ્યાં સુધી પોતાના ઉત્પાદનની એમઆરપી પોતે જ નક્કી કરીને વેચવા નિર્ધાર નહીં કરે ત્યાં સુધી તેમને સારા ઉત્પાદન છતાં ઓછ નફો મળશે. તેઓ ઉમેરે છે કે, તેઓ ખારેક ફ્રિજ ડ્રાઇડ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાના પેકેંજીંગ અને પ્રોસેસ કરીને ઓનલાઇન તથા ઓફલાઇન વેપારીઓને વેચાણ કરે છે. આ ઉપરાંત ખારેકનો પાઉડર સાથે તેની સ્લાઇસ પણ બનાવી વેચે છે. તેજ રીતે આંબાનો પલ્પ તથા તેના ક્યૂબ બનાવીને ખાદ્યઉત્પાદન કરતા વેપારી કે કંપનીને વેચે છે.
વરસાદથી અસરગ્રસ્ત ખારેકનું મૂલ્યવર્ધન કરવાનો પ્રયાસ –
કિશોરભાઇ જણાવે છે કે, કચ્છ ખારેકનું હબ છે પરંતુ છેલ્લા થોડા સમયથી જળવાયુ પરિવર્તનના કારણે બદલાયેલા વાતાવરણના થકી વરસાદ વહેલો આવી જતાં ખાસ કરીને ઇઝારાયેલી બારાઇ ખારેક ઉતરે તે પહેલા જ ઝાડમાં પલળી જતાં તેમાં તિરાડ પડી જતી હોય છે. જેના કારણે ખાવાલાયક તો હોય છે પરંતુ તે બજારમાં વેચાણ લાયક રહેતી નથી, તેના કોડીના ભાવ થઇ જતાં હોવાથી કચ્છના ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવું પડે છે. ત્યારે આનો રસ્તો કાઢવા મે એક નાનકડો પ્રયોગ શરૂ કર્યો છે, જો તેમાં સફળ થયા તો કચ્છના અન્ય ખેડૂતો પણ પોતાની ખારેકનું મૂલ્યવર્ધન કરવા માટે નવો વિચાર અમલ મૂકીને નફો રળી શકશે.
તેઓ કહે છે કે, પ્રાયોગિક ધોરણે હાલમાં દેશના અન્ય રાજ્યમાંથી જ્યૂસ કાઢવા માટે મીની પ્રોસેસીંગ પ્લાન્ટ મંગાવ્યું છે. જેમાં વરસાદ બાદ તિરાડ પડી ગયેલી ખારેકમાંથી જ્યુસ બનાવવા હું પ્રયોગ કરી રહ્યો છું. જો આમાં સફળતા મળી તો આ જ્યુસ બજારમાં આઇસક્રીમ, ચોકલેટ, જ્યુસ સહિતની ખાદ્ય પ્રોડકટ બનાવતી કંપનીને વેચીને બગડતા પાકને પણ ઉપયોગમાં લઇને તેમાંથી પણ નફો મેળવી શકાશે. ઉપરાંત જ્યૂસ કાઢ્યા બાદ ખારેકનો જે વેસ્ટ નીકળશે તેમાંથી પાઉડર બનાવીને તેનો ઉપયોગ પ્રોટીન પાઉડરમાં,મીઠાઇ કે અન્ય રીતે ઉપયોગમાં કરી શકાય છે. જો અમે સફળ થયા તો ચાર થી ૫ ખેડૂતો સાથે મળીને જયુસર પ્લાન્ટ ખરીદીને અમારા ખારેકના ઉત્પાદનમાંથી જ્યૂસ કાઢશું. અન્ય ખેડૂતોને જોઇએ તો માર્ગદર્શન આપશું. આ પ્રક્રીયા કરવાથી વરસાદમાં પલળી જતી હજારો ટન ખારેકને કચરામાં ફેંકી દેવામાંથી મુક્તિ મળશે અને તેનો સમયસર ઉપયોગ કરીને પ્રોડકટ બનાવી શકાશે.
કિશોરભાઇ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત જણાવે છે કે, સરકારે પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યું તેની તાતી જરૂર છે. આ અભિયાનમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય તે જરૂરી છે. તેઓ ઉમેર્યું હતું કે, સરકાર વિવિધ સહાય તથા આત્મા મારફતે તાલીમ આપી રહી છે જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેઓએ કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવવા અનુરોધ કર્યો હતો.
