હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા નોલેજ હબ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ પછી શું? તેમજ ધોરણ ૧૨ પછી કઈ કારકિર્દી પસંદ કરવી તે અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનારમાં શ્રી જિમિલભાઈ પટેલ અને અક્ષય ઝારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પ્રવેશ પ્રક્રિયા, અભ્યાસક્રમો અને ભવિષ્યની કારકિર્દી અંગે સરળ અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે તૈયારી કરવી, ઓછા ટકામાં કયા ક્ષેત્રોમાં પ્રવેશ મળી શકે તેમજ વિવિધ કોર્સ અને ફેકલ્ટી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
સેમિનારમાં જી.પી.એસ.સી., બેંકિંગ, એલ.આઈ.સી., ટેટ-ટાટ, એલ.આર.ડી., જી.એસ.આર.ટી.સી., નર્સિંગ, ફાર્મસી સહિત વિવિધ સરકારી અને ખાનગી ક્ષેત્રોની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા સ્પેશિયલ કોચિંગ ક્લાસ અને કારકિર્દી માટેની નવી તકો વિશે પણ નિલેશભાઈ વજેપરા, જોગેન્દ્રભાઈ અને હિતેશભાઈએ માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થીઓ અને વાલીઓએ સેમિનારમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ભવિષ્ય નિર્માણ માટે યોગ્ય દિશા પસંદ કરવાની પ્રેરણા આપવામાં આવી હતી.
