પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રભાસ પાટણની પુણ્ય ધરા પર ‘સોમનાથ અમૃત મહોત્સવ’

હિન્દ ન્યુઝ, સોમનાથ

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં ભારતની આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રભાસ પાટણની પુણ્ય ધરા પર ‘સોમનાથ અમૃત મહોત્સવ’ ઉજવાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવો ઉપરાંત સાધુ-સંતો અને ભક્તગણ સહિતની વિશાળ જનસમુદાય આ અવસરે સહભાગી થયા હતા.

 વડાપ્રધાનએ આ અવસરે જણાવ્યું હતું કે, 1947 માં ભારત આઝાદ થયું અને 1951 માં સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે વિનાશમાં પણ સર્જનનો સંકલ્પ ચરિતાર્થ કરનાર સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસથી સૌને માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબે 500થી વધુ રજવાડાંઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે. વડાપ્રધાનએ આજના આ ‘સોમનાથ અમૃત મહોત્સવ’ને માત્ર અતીતનો ઉત્સવ જ નહીં, પણ આવનારા એક હજાર વર્ષો માટે ભારતની પ્રેરણાનો મહોત્સવ ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે અને સોમનાથ અમૃત મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે, તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. તેમણે ભારતની સાંસ્કૃતિક વિરાસતને ગૌરવ અપાવતા માનનીય વડાપ્રધાનના વિવિધ પ્રયાસોથી સૌને માહિતગાર કર્યાં હતા તેમજ ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્ર સાથે વિરાસતોના ગૌરવગાન થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment