જામનગર જિલ્લામાં મહોરમના તહેવારને લઇ પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર

      જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ (તાજીયા)ના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તા.૫-૬ જુલાઈ દરમિયાન ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે, ટ્રાફિક નિયમોનું પાલન થાય, લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી તા.૭ જુલાઈ સુધી અમલમાં રહેશે. 

જાહેરનામા મુજબ, તાજીયાની બેઠક સહિત ૯ (નવ) ફૂટથી વધારે ઉંચાઇ ધરાવતા તાજીયા બનાવવા, વેંચવા કે જાહેર માર્ગો પર પરિવહન કરવા નહીં.

તાજીયામાં લોખંડના સળીયા કે અન્ય વીજવાહક સાધનો, વસ્તુઓ કે પદાર્થોનો ઉપયોગ કરવો નહીં.

સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય તાજીયાના ઝુલુસ કાઢવા નહીં.

મંજુરીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ પર નીકળવું નહીં તેમજ મંજુરીમાં દર્શાવેલ સમયમર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના રહેશે.

તાજીયાના રૂટ પરથી પસાર થતા સમયે તે વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને કોઇપણ પ્રકારે અડચણ કે ત્રાસ કે નુકસાન કે લોકોને જાન-માલ કે સ્વાસ્થય અને સલામતીને નુકસાન થયા તેવુ કૃત્ય કરવું નહીં.

કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ પણ પ્રકારના ચિન્હો કે નિશાની વાળા તાજીયાઓ બનાવવા, ખરીદવા કે વેચાણ કરવા નહીં.

રાત્રીના ૧૦.૦૦ થી સવારે ૦૬.૦૦ કલાક સુધીના સમયગાળામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં.

તાજીયા કમિટી દ્વારા જાહેર રસ્તા ઉપર કે પબ્લિક સ્ટોલ લગાવમાં આવે છે ત્યા કે તેની આજુબાજુની જગ્યામાં કોઇપણ પ્રકારની ગંદકી કરવી નહીં તથા આ જગ્યાઓ પર કચરા પેટી રાખવાની તથા સફાઇ કરાવવાની જવાબદારી તાજીયા કમીટીના આયોજકોની રહેશે.

તાજીયામાં લાઇટીંગનો ઉપયોગ કરવામાં આવે તો તેનું વાઇરીંગ ખુલ્લુ રાખવું નહીં. તેમજ વીજ લાઇનને કોઇ પણ પ્રકારના દંડ કે લાકડી (વિદ્યુતવાહક કે અવાહક) જેવા પદાર્થથી ઉચા કરવા કે કોઇપણ પ્રકારની છેડછાડ કરવી નહીં.

તાજીયાના રૂટ પર આવતા વીજ પોલ કે વીજ વાયરને નુકસાન થાય તેવું કૃત્ય કરવું નહીં.

કોઇપણ તાજીયાને બીન વારસી હાલતમાં મુકવા નહીં.

આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment