હિન્દ ન્યુઝ, બોટાદ
સમાજમાં ફરજ બજાવતા કર્મચારી જ્યારે પોતાની ફરજને અંત:કરણ સાથે જીવવા લાગે, ત્યારે જન્મે છે આવી કોઈ અદ્વિતિય પહેલ… જેમ કે બોટાદ પોલીસનું “માનવતાની મહેંક સ્ટોલ”બોટાદના એક નાનકડા સ્ટોલમાંથી આવતી “માનવતાની મહેક” આજે આખા ગુજરાતને મહેકવી રહી છે. આ કોઈ વેપારિક સ્ટોલ નથી, અહીં વેચાણ નથી, અહીં ભાવ છે… લાગણીઓના, સહાનુભૂતિના અને સાચી માનવતાના….
બોટાદ પોલીસની અનોખી પહેલ “માનવતાની મહેંક સ્ટોલ”ની સેવાકીય પ્રવૃત્તિઓને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિરદાવી હતી. તેમણે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયાને અભિનંદન પાઠવતા પત્ર લખ્યો છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે, “પ્રત્યેક માનવી સમાજ સાથે સંકળાયેલો છે. સમાજનું યોગદાન પ્રત્યેક વ્યક્તિના જીવનમાં રહેલું છે. પરસ્પરના આ સામાજિક તાણાવાણાથી ગુંથાયેલું આપણું આ જીવનચક્ર છે. આ દૃષ્ટિકોણની સમજણ આપતા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના એક પ્રવચનમાં જણાવેલ કે, કોઈ યુવક કોઈ દુકાનમાંથી કપડાંની ખરીદી કરે છે, ત્યારે તેની પાસે પૈસા હતા, એટલે તેણે કપડા મળી ગયા એમ વિચારવાને સ્થાને એવું વિચારે કે આ કપડાં તૈયાર કરવા માટે કોઈ ખેડૂતે એના ખેતરમાં કપાસ વાવ્યો હશે, મજૂરોએ એ કપાસના પાકને લણીને જીનમાં પહોંચાડી રૂ તૈયાર કર્યું હશે. રૂ માંથી મિલોમાં એમાંથી કાપડ તૈયાર થયું હશે. કોઈએ આ કાપડને રંગ્યું હશે. કોઈએ સીવીને એમાંથી કપડા તૈયાર કર્યા હશે, ત્યારે આ કપડા તે ખરીદી શક્યો છે. તો સમાજના યોગદાનની અનુભૂતિ એ યુવકને થશે અને સમાજ પ્રત્યેનો તેનો સકારાત્મક અભિગમ બનશે. સમાજના ઋણમાંથી ઉઋણ થવાની ભાવના પ્રત્યેક નાગરિકના ઉદભવે ત્યારે સમાજનો ઉત્કર્ષ સંભવ બને છે. સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની સંવેદના આપણી સંસ્કૃતિમાં સમાવિષ્ટ છે. અન્યની જરૂરિયાતમાં સહાયક થવાની લાગણી માનવતાની પરિચાયક છે.”
“આ પરિપ્રેક્ષ્યમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન નજીક છેલ્લા પાંચ વર્ષથી જિલ્લા પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ‘માનવતાની મહેંક’ નામનો સ્ટોલ શરૂ કર્યો છે. એ સ્તુત્ય કાર્ય છે. આ સ્ટોલમાં વિસ્તારના લોકો કપડાં, કરિયાણાની વસ્તુઓ અને પગરખાં જેવી ચીજ વસ્તુઓ દાનમાં આપે છે. જેને સ્ટોલમાં અલગ અલગ માપનાં કપડાં, પગરખાં વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો અહીંથી પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ વિનામૂલ્યે મેળવી શકે છે. એ સર્વથા આવકાર્ય બાબત છે. માત્ર બોટાદ શહેરમાંથી જ નહીં, પરંતુ દૂર દૂરથી ગરીબ અને જરૂરિયાત લોકો મોટી સંખ્યામાં આ સ્ટોલમાં આવે છે. તે સરાહનીય છે. પોલીસ વિભાગની આ પહેલ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પરિચાયક છે. પોતાની ફરજ ઉપરાંત આત્મસંતુષ્ટિ માટે થતી કામગીરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “સ્વાન્તઃ સુખાય” નામ આપેલું છે.“
“પોલીસ વિભાગની “માનવતાની મહેંક”સ્ટોલની આ પ્રવૃત્તિ પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ જે બિરદાવવા લાયક છે. આ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ થકી માનવતાની મહેક પ્રસારાવતા રહો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહાયરૂપ બની રહો એવી અંતરતમ્ શુભકામનાઓ છે.”
દરેક દાનમાં એક વાર્તા હોય છે… અને દરેક જૂના કપડાંમાં એક ઇતિહાસ.એ કપડાં જ્યારે બીજું કોઈ પહેરે છે, ત્યારે એ ઇતિહાસે જિંદગી બદલવાની શક્તિ ધરાવતી હોય છે.બોટાદના “માનવતાની મહેંક” સ્ટોલે એ બધું શક્ય બનાવ્યું છે, અહીં જરૂરિયાતમંદો સુધી સહાય ‘દયા’ તરીકે નહિ, પણ ‘સન્માન’ રૂપે પહોંચે છે.
