હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આવા સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય સતત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી તેમણે તમામ તાલુકાઓના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી માર્ગદર્શન આપ્યું હતું.
બોટાદ જિલ્લાના ચારેય તાલુકામાં ભારે વરસાદના કારણે લોકો ફસાયાના સમાચાર મળતા જ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે બોટાદ જિલ્લા કલેકટર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જિલ્લા પોલીસ, આરોગ્ય વિભાગ, તાત્કાલિક સેવા – 108, ફાયર વિભાગ તેમજ અન્ય સહાયક તંત્રોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ અફવાઓથી દૂર રહે અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આપવામાં આવતા સૂચનોને અનુસરે.
