હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જાહેર આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સમિતિઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી.જેમાં સંચારી રોગ અટકાયત સમિતિ, જિલ્લા આરોગ્ય સોસાયટીની ગવર્નીંગ બોડી સમિતિ, તમાકુ નિયંત્રણ સમિતિ, ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), ક્વોલીટી એસ્યોરન્સ સમિતિ, ન્યુટ્રીશન ટાસ્ક ફોર્સ, ફાયર સેફટી સમિતિ, જન્મ-મરણ નોંધણીની સમીક્ષા કમિટી તેમજ ટીબી ફોરમના સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં કલેક્ટર શ્રી ઠક્કરે જિલ્લામાં જાહેર આરોગ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેના સુધાર માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
સંચારી રોગ અટકાયત સમિતિની બેઠકમાં જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ આરોગ્ય વિભાગને રોગચાળા અટકાવવા માટે સક્રિય દેખરેખ રાખવા, ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી નિયમિતપણે કરવા તથા સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવા સૂચનો કર્યા હતા. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણીના સ્ત્રોતોની સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા આરોગ્ય સોસાયટીની ગવર્નીંગ બોડી સમિતિની બેઠકમાં માતા અને બાળ આરોગ્યની સેવાઓ, શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકોની તબીબી તપાસ, મમતા દિવસે માતા અને બાળકોના રસીકરણની કામગીરી, માતા અને બાળ આરોગ્યની વિવિધ યોજનાઓ અંગે સમીક્ષા કરવામાં આવેલ.જેમાં લાભાર્થીઓને આરોગ્યની સેવાઓ અને યોજનાના લાભો મળી રહે તે માટે જરૂરી સુચના આપવામાં આવેલ.
તમાકુ નિયંત્રણ સમિતિની બેઠકમાં તમાકુના સેવનથી થતા ગંભીર સ્વાસ્થ્ય જોખમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.કલેક્ટરએ જાહેર સ્થળોએ તમાકુના સેવન પર પ્રતિબંધના કડક અમલ, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુ ઉત્પાદનોના વેચાણ પર નિયંત્રણ અને યુવાનોમાં તમાકુના વ્યસન સામે જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો ઘડવા નિર્દેશ આપ્યા હતા.ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવાયું હતું.
