હિન્દ ન્યુઝ, જામનગર
જામગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી કાલાવડ ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા.
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના ૯ પ્રશ્નો પૈકી ૮ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. જે પ્રશ્નોમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન, સ્મશાન બનાવવા માટે જગ્યાની ફાળવણી, જમીન માપણી, પાણીની પાઈપલાઈન નાખવા અંગે, પીએમ કિસાન યોજનાને લગત પ્રશ્નો અરજદારોએ રજૂ કર્યા હતા જે પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ સાથે કલેકટર કેતન ઠક્કરે કાલાવડ મામલતદાર કચેરી ખાતેની કામગીરીની ચકાસણી કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ ચકાસણીમાં તેઓએ કાલાવડ પોલીસ સ્ટેશનની કામગીરી ઉપરાંત વિવિધ ગુન્હાઓને લગત માહિતી મેળવી શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે પ્રકારે જરૂરી પગલા લેવા ઉપરાંત જમીન માપણીને લગત પ્રશ્ન હોય તો સ્થળ ચકાસણી કરાવી યોગ્ય કાર્યવાહી કરવા, સરકારી લ્હેણાની વસુલાત કરવા વગેરે મુદ્દાઓ પર અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કાલાવડ મામલતદાર તન્વીબેન ત્રિવેદી સહીત તાલુકા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.