હિન્દ ન્યુઝ, ભુજ
આજકાલ પ્રાકૃતિક ખેતીની માંગ ઝડપથી વધી રહી છે, અને તેમાં કેરીની ખેતી પણ બાકાત રહી નથી. કુદરતી રીતે કેરીની ખેતી કરવી હોય તો પ્રાકૃતિક કેરીની ખેતી ઉત્તમ વિકલ્પ છે. આમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોને બદલે કુદરતી ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેરીને સ્વાદિષ્ટ, સલામત અને આરોગ્યપ્રદ બનાવે છે. તો ચાલો જાણીએ પ્રાકૃતિક કેરીની ખેતી કેવી રીતે કરવી, કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું અને તેનાં ફાયદાઓ વિશે..
પ્રાકૃતિક કેરીની ખેતી માટે, યોગ્ય આબોહવા અને જમીનની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે, ગરમ અને ભેજવાળી આબોહવામાં કેરીની ખેતી સારી રીતે થાય છે. કેરીની ખેતી માટે સારી રીતે પાણી નિકાલની વ્યવસ્થા અથવા રેતાળ માટી સૌથી યોગ્ય છે. તે માટે જમીનનું pH મૂલ્ય ૫.૫ થી ૭.૫ ની વચ્ચે હોવું જોઈએ.
છોડની પસંદગી અને વાવેતર પણ કેરીની ખેતી માટે ખૂબ જ જરૂરી છે જેમાં દશેરા, હાફૂસ, કેસર અથવા લંગડા કેરી જેવી સારી જાતો યોગ્ય હોય છે, તેનું જૂન-જુલાઈ દરમિયાન વાવેતર કરવું શ્રેષ્ઠ છે. છોડની વચ્ચે ૧૦x૧૦ મીટરનું અંતર રાખવું જોઈએ જેથી તે સારી રીતે ફેલાઈ શકે.
કેરીની પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને પોષણમાં ગાયનું છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીમડાનાં ખાતરોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહે છે. ખાસ કરીને ફળ આવે તે પહેલાં, દર ૬ મહિને પ્રાકૃતિક ખાતર આપવું જરૂરી છે. કુદરતી જંતુ નિયંત્રણના પગલાનો ઉપયોગ કરો, જેમાં લીમડાનાં અર્ક, ગૌમૂત્ર અને લસણ-આદુનો છંટકાવ કરવો જોઈએ. ફેરોમોન ટ્રેપ્સ, સ્ટીકી ટ્રેપ્સ જેવી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકાય છે. ખેતરની ફરતે તુલસી, ગેન્દા જેવાં છોડ વાવવા જોઈએ જે જીવાતોને દૂર રાખે છે.
કેરીની ખેતીમાં પ્રારંભિક વર્ષોમાં સિંચાઈ અને સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે જે માટે છોડને નિયમિતપણે પાણી આપવું જોઈએ આ માટે ટપક સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે કારણ કે તેનાથી પાણીની પણ બચત થાય છે.
ફળોની કાપણી અને સંગ્રહ માટે કેરી પૂરી રીતે પાકી જાય તે પહેલાં તેને તોડી લેવી જોઈએ, પછી તેને ૨-૩ દિવસ તડકામાં રાખવી જોઈએ. રાસાયણિક રીતે પકાવવાને બદલે કુદરતી રીતે કેરીને પકાવવી જોઈએ. કેરીના સંગ્રહ માટે ઠંડી અને સૂકી જગ્યા પસંદ કરવી જોઈએ.
પ્રાકૃતિક કેરીની ખેતીનાં ફાયદાઓ જોઈએ તો કેરીની સારી ગુણવત્તા અને સ્વાદ સામેલ છે. બજારમાં પ્રાકૃતિક રીતે ઉગાડેલી કેરીનો ભાવ વધારે મળે છે સાથે સાથે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે છે અને તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડતું નથી.
સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરવામાં માટે મદદ કરી રહી છે. સરકાર પરંપરાગત કૃષિ વિકાસ યોજના જેવી ઘણી યોજનાઓ ચલાવે છે. પીકેવીવાય ક્લસ્ટર-આધારિત જૈવિક ખેતીને ટેકો આપે છે, જે ખેડૂતોને ઉત્પાદન, પ્રોસેસિંગ, સર્ટિફિકેશન અને માર્કેટિંગમાં મદદ કરે છે.
