હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર ખાતે યોજાયેલી ૪૫મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ સ્પર્ધામાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન (STRA)ના શૂટર્સે વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.
ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ઇશિત દોશીએ NR મેન્સ ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતની સૌથી જૂની રોટેટિંગ ટ્રોફી પોતાના નામે કરી. ઉદય અમીને NR માસ્ટર મેન્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
આર્યન સિંહે ISSF જુનિયર મેન્સ તથા ISSF મેન્સ ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી પ્રતિષ્ઠિત રોટેટિંગ ટ્રોફી જીતી. યશાયા કોન્ટ્રાક્ટરે ISSF જુનિયર વિમેન તથા ISSF વિમેન ઓપન કેટેગરીમાં ડબલ ગોલ્ડ મેડલ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
ડબલ ટ્રેપ સ્પર્ધામાં યશાયા કોન્ટ્રાક્ટરે વધુ બે ગોલ્ડ મેડલ જીત્યા, જ્યારે કશ્યપ ઝાલાએ NR માસ્ટર મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. સ્કીટ શૂટિંગમાં જતીન પટેલે NR સિનિયર માસ્ટર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરેલ છે.આ સ્પર્ધામાં ચીફ રેન્જ ઓફિસર તરીકે સેવા આપનાર મેહુલ પટેલને તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાસમશેટ્ટી રવિ તેજા, IPS તેમજ અતિથિ વિશેષ તરીકે ચાર વખત ના ઓલમ્પીયન શ્રીમનશેર સિગ, આચાર્ય ઘનશ્યામજી વ્યાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
STRAના સચિવ ઈશ્વરસિંહે શૂટર્સના સમર્પણ અને મહેનતની પ્રશંસા કરી હતી અને આ સફળતા માટે NRAI, GSRA તથા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર, વડોદરા સહિતના સહયોગી સંસ્થાઓના સમર્થનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. STRAના પ્રમુખ રાજકુમારી જ્ઞાનેશ્વરી સિંહે પણ ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવ્યું અને મહિલા શૂટર્સની વધતી ભાગીદારીને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ સિદ્ધિથી જિલ્લામાં રમતગમત ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

