હિન્દ ન્યુઝ, ધરમપુર
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે ધરમપુર ખાતે આવેલ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) અને ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે 18 મે, 2025 ના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. “ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયોનું ભવિષ્ય” (The Future of Museums in Rapidly Changing Communities) વિષય પર આધારિત આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન કેન્દ્રમાં સવારે 9:30 થી સાંજે 5:30 સુધી મુલાકાતીઓ માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેનો લાભ 815 જેટલા મુલાકાતીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.
વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “My Own Collection” શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શન પણ યોજાયું હતું. જેનું ઉદ્ઘાટન શ્રી ધર્મેન્દ્રસિંહ પરિહાર (ધર્મુદાદા) દ્વારા વિધ્યાર્થીઓ અને મુલાકાતીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં દરેક કલાકૃતિઓના પ્રદર્શન પાસે QR કોડ મૂકવામાં આવ્યા હતા જેથી મુલાકાતીઓ એ QR કોડ સ્કેન કરીને જે તે પ્રદર્શન વિશે ઉંડાણપૂર્વક માહિતી મેળવી શકે. જેમાં ધર્મુદાદા દ્વારા સંગ્રહાલયોનું મહત્વ દર્શાવતું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા “સંગ્રહાલયો અને મ્યુઝિઓલોજીની સુસંગતતા અને લાભો Relevance and Benefits of Museums and Museology” વિષય પર ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર ખાતે લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું તેમણે ભારતમાં સાયન્સ મ્યુઝિયમ પ્રવૃત્તિ ના પ્રણેતા ડો. સરોજ ઘોષને શ્રદ્ધાંજલી આપતા જણાવ્યુ કે ગુજરાતના ધરમપુરના આદિવાસી કેન્દ્રમાં વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરીને, ડૉ. ઘોષે વિજ્ઞાન શિક્ષણને એક અંતરિયાળ વિસ્તાર માં પહોંચાડ્યું, જેનાથી અસંખ્ય જીવન પ્રેરણા પામ્યા. વૈજ્ઞાનિક સ્વભાવ અને સમાવેશી શિક્ષણને પ્રોત્સાહન આપવાનો તેમનો વારસો આપણને માર્ગદર્શન આપતો રહેશે. ધી લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. ઇન્દ્રા વત્સ દ્વારા “સાંસ્કૃતિક અને સામાજિક પાસાંઓમાં ભારતીય સંગ્રહાલયોનું પ્રદાન” “Contribution of Indian Museums in Cultural and Social Aspects” વિષય ઉપર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુલાકાતીઓને “હર ઘર તિરંગા” થીમ અંતર્ગત મુલાકાતીઓને કિચેન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે ગાયત્રી બિષ્ટ, જુ. મેંટર ઇનોવેશન હબ દ્વારા આઇટીઆઇ માલનપાડા ના તાલીમાર્થીઓ માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ, રેઝીન આર્ટ, વેસ્ટ ટુ આર્ટ, વારલી પેઇન્ટિંગ ઓન પેબલ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવા કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ મિલન દેશમુખ, સુરેશ ભોયા, હેતલ પરમાર, શિવાની પટેલ, કિંજલ પટેલ, કૃણાલ ચૌધરી, સાયન્સ કોમ્યુનિકેટર દ્વારા વૈજ્ઞાનિક રમકડા બનાવો અને લઈ જાઓનું સંચાલન કરવામાં આવ્યું હતું.સાથે મુલાકાતીઓ માટે વિવિધ ગેલેરીની ગાઈડેડ ગેલેરી ટૂર કરાવવામાં આવી હતી. વિજ્ઞાનના આશ્ચર્યજનક પ્રયોગોને રજુ કરતી ‘Fun at Low Temperature’ શીર્ષક હેઠળ લિક્વિડ નાઈટ્રોજન શો પણ યોજાયો હતો. જાદુગર ડી. લાલ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ સંબંધિત પ્રયોગો રજૂ કરવામાં આવ્યા, જેના દ્વારા લોકોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિશે જાગૃતિ મનોરંજન સાથે આપવામાં આવી હતી. ઉપરાંત બાળકો તેમજ મૂલાકાતીઓએ વિજ્ઞાન કેન્દ્રના પોતાના અનુભવો શેર કર્યા હતા.

ઉપરાંત દેશના જવાનો ના પરાક્રમ ને બિરદાવતા એક દેશ એક ધડકન “ હર ઘર તિરંગા ” થીમ પર આધારિત રંગોળી તથા પેબલ આર્ટ જેવી કળાકૃતિઓ પણ દર્શાવવામાં આવી હતી. દિવસ દરમિયાન 7 3D-શો માં 290 લોકો અને 7 તારામંડળ શો માં 271 મુલાકાતીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અને ધ લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુરના તમામ સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો અને મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
રિપોર્ટર : મહેશ ટંડેલ, વલસાડ


