હિન્દ ન્યુઝ, ગુજરાત
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકારિત કરતા ગુજરાતના વિવિધ મ્યૂઝિયમ.
ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિનું જતન કરી રહેલા ગૌરવવંતા ગુજરાતના આ અભૂતપૂર્વ મ્યૂઝિયમ દેશ વિદેશના અનેક મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે માહિતી નિયામકની કચેરી દ્વારા ‘ગુજરાતના સંગ્રહાલયો’ પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે.
આ પુસ્તકમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ગુજરાતના સંગ્રહાલયોની મહત્વપૂર્ણ વિગતો નયનરમ્ય તસવીરો અને આકર્ષક લેઆઉટ સાથે રજૂ કરાઇ છે.

વલસાડના ધરમપુર સ્થિત લેડી વિલ્સન મ્યૂઝિયમમાં કલા, વારસો, સંસ્કૃતિ અને પરંપરાનો અનેરો સમન્વય જોવા મળે છે.
ગુજરાતના સૌપ્રથમ આદિવાસી સંગ્રહાલય તરીકે ગૌરવવંતું સ્થાન ધરાવતું આ મ્યૂઝિયમ ઈન્ડો-સારસેનિક સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે.
આ મ્યુઝિયમમાં જોવા મળતા વિવિધ 13 વિભાગો પૈકી ભોંયતળિયે પ્રાકૃતિક ઈતિહાસ, ઢીંગલી, ટપાલ-ટિકિટ, ઓદ્યૌગિક કલા વગેરે વિભાગ જ્યારે પ્રથમ માળ માનવશાસ્ત્ર વિભાગને સમર્પિત છે.

સુરતમાં આવેલા સરદાર પટેલ મ્યૂઝિયમમાં સચવાયો છે કળા અને સંસ્કૃતિનો અમૂલ્ય વારસો.
આશરે 8400 પુરાતન કલાકૃતિઓ ધરાવતા આ મ્યૂઝિયમમાં કાષ્ઠકળા, ચિનાઈ માટી, તાંબા અને કાંસા, કાપડ, સિક્કા, ચિત્રો અને લઘુચિત્રો, હસ્તપ્રતો તેમજ શિલ્પોની નમૂનેદાર ચીજવસ્તુઓ સામેલ છે.


