હિન્દ ન્યુઝ, બોટાદ
આપણી આકાશગંગામાં ઘણાં બધાં ગ્રહો છે, પરંતુ જીવન ફક્ત એક જ ગ્રહ પર છે અને તે છે આપણી પૃથ્વી! આજે આ પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે તેની સંભાળ ખુબ જ અગત્યની અને આવશ્યક બની છે. આપણને જીવન આપનાર જન્મદાત્રી પૃથ્વીને જીવંત રાખવા માટે સમગ્ર દુનિયામાં આજે વલ્ડૅ અર્થ ડેની ઉજવણી કરવામાં આવી રહ્યી છે.
દર વર્ષે 22 એપ્રિલનાં રોજ, વિશ્વભરનાં લોકો જુદી જુદી થીમ પર પૃથ્વી દિવસની ઉજવણી કરે છે. આ વર્ષની થીમ “Our Power is Our Planet” છે. આ શક્તિશાળી અભિયાન નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાં પરિવર્તન લાવવા અને એક ટકાઉ ભવિષ્યનાં નિર્માણ માટે આપણી સામૂહિક જવાબદારી પર ભાર મૂકે છે. તેનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન ત્રણ ગણું કરી સૌર, પવન, જળવિદ્યુત, જિયોથર્મલ અને ભરતી ઊર્જા જેવાં સ્વચ્છ ઊર્જા સ્રોતોનો ઉપયોગ કરીને આપણે અશ્મિભૂત ઇંધણ પરની આપણી નિર્ભરતાને ઘટાડવાનો છે, જેથી ભવિષ્યની પેઢીઓ માટે હરિયાળી દુનિયાનું નિર્માણ કરી શકીએ છીએ.
વર્ષ 1960 માં પ્રથમ વખત વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી યુ.એસ.માં વર્ષ 1970 માં શરૂ કરવામાં આવી હતી જેમાં 22 એપ્રિલના રોજ, 20 મિલિયનથી વધુ લોકોએ 150 દેશોમાં પ્રથમ વખત પૃથ્વી દિવસની ઉજવણી કરી હતી, જેમાં પૃથ્વીને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખવાનો દ્રઢ નિશ્ચય કરવામાં આવ્યો હતો.
તેમાં કોઈ શંકા નથી કે આપણાં ગ્રહને કેટલાક મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સરકાર પણ આ તમામ પડકારો સામે વિવિધ પ્રકારની યોજનાઓ દ્વારા પૃથ્વીને બચાવવા માટે પગલાંઓ લઈ રહી છે જેના વિશે વાત કરીએ તો, સ્વચ્છ ભારત અભિયાન 2014માં શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યું છે. તેનું મુખ્ય લક્ષ્ય ભારતને સ્વચ્છ બનાવવાનું છે. જે અંતર્ગત શહેરો અને ગામડાઓમાં શૌચાલય બનાવવામાં આવ્યાં છે. ભીનો કચરો અને સુકો કચરો જુદો પાડવામાં આવે છે, સ્વચ્છતા અભિયાનની રેલીઓ કાઢવામાં આવે છે અને લોકો શેરીઓમાં કચરો સાફ કરે છે સાથે પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડવાની જાગૃતિ પણ લોકોને આપવામાં આવે છે.
નમામી ગંગે યોજના ગંગા નદીના પુનરુજ્જીવનની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે. જે અંતર્ગત નદીઓમાં જતો ઉદ્યોગિક કચરો અટકાવવામાં આવે છે સાથે ઘરોમાંથી આવતાં કચરાને રિસાયકલ કરવામાં આવે છે. વૃક્ષારોપણ દ્વારા નદીનાં કાંઠે હરિયાળા વિસ્તારમાં વધારો કરવામાં આવે છે.
ભારત સરકાર સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, બાયો માસ જેવાં વિકલ્પો દ્વારા કુદરતી સંશાધનોનો ઉપયોગ ઘટાડી રહી છે. સરકારશ્રી પવનચક્કી અને ઘરે ઘરે સોલાર પેનલનો ઉપયોગ વધારી રહી છે અને લોકોને સોલાર પેનલ નાખવા માટે સબસીડી પણ આપી રહી છે, પેટ્રોલવાળી ગાડીઓની જગ્યાએ બેટરીવાળી ગાડીઓનો ઉપયોગ ભારતમાં વધી રહ્યો છે.
સરકારે સિંગલ-યૂઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિક કપ, થેલી, સ્ટ્રો વગેરેનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે જેનો હેતુ પ્લાસ્ટિકનાં પ્રદૂષણને ઘટાડી દરિયાઇ જીવન બચાવવાનો છે.
ગુજરાત સરકાર પણ આ દિશામાં નક્કર પગલાઓ લઈ રહી છે. ગુજરાત સરકાર વન મહોત્સવ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોના આયોજન દ્વારા લાખો વૃક્ષો વાવવામાં અને જતન કરવામાં આવી રહ્યા છે. “એક પેડ માં જે નામ” આ અભિયાન હેઠળ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક લોકોને એક વૃક્ષ વાવવા માટે આહ્વાન કર્યું છે. જેનો હેતુ વૃક્ષોની ઘટતી સંખ્યા વધારવા, તેનું જતન અને રક્ષણ કરવાનો છે. જેના દ્વારા જમીનની ગુણવત્તા વધારી પૃથ્વીને તેનું નૂર પાછું આપી શકાય.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ઉદ્યોગો દ્વારા થતાં પ્રદૂષણને નિયંત્રિત કરવા કડક નિયમોનું અનુકરણ કરાવે છે અને નિયમિત નિયમોનું પાલન થાય છે જે નહીં તેનું નિરીક્ષણ કરે છે. આ બોર્ડ ઉદ્યોગો માટે પાણી અને હવા પ્રદૂષણની મર્યાદા નક્કી કરે છે અને મોનિટરિંગ કરીને તેનો ડેટા સંગ્રહ કરે છે સમય સમયે ઓડિટ કરીને નિયમોના ભંગ કરનાર ઉદ્યોગોને આ બોર્ડ દંડ પણ કરે છે. જેથી ઉદ્યોગો દ્વારા થતું અનાવશ્યક પ્રદૂષણ ઘટાડી શકાય.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ સુજલામ સુફલામ યોજના વરસાદનાં પાણીનો સંગ્રહ કરે છે અને ભૂગર્ભજળના તળ ઉપર લાવવા નક્કર પ્રયત્નો કરે છે. આ યોજના હેઠળ તળાવો, નદી નાળાની સફાઈ કરવામાં આવે છે અને વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા પણ કરવામાં આવે છે.તળાવો અને નદીઓમાં પાણીનો સંગ્રહ થતાં બોરવેલ અને કુવાના પાણી પણ ઉપર આવી જાય છે ખેડૂતોને સિચાઈ માટે પાણી મળી રહે છે.
ગુજરાત સરકારે શાળાઓ, કોલેજો અને સમુદાય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમો શરૂ કર્યા છે. જેમાં પર્યાવરણ વિષય પર શૈક્ષણિક અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે સાથે સાથે ક્લબ, નાટક, ક્વિઝ અને રેલી દ્વારા લોકોને આ અંગે જાગૃત કરવામાં આવે છે. વનવિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસ પણ યોજવામાં આવે છે અને બાળકોને વન અંગે જાગૃત કરવામાં આવે છે.
આમ વિશ્વ પૃથ્વી દિવસ એ માત્ર એક દિવસની ઉજવણી નથી, પણ આપણે પૃથ્વી માટે લેવાતી જવાબદારીનું સ્મરણ છે. સરકારનાં પ્રયાસો અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ દરેક નાગરિકનો સહકાર પણ એટલો જ જરૂરી છે. ચાલો વચન લઈએ કે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂર વાવીશું , પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશું, પાણી અને વીજળીનો વ્યય નહિ કરીએ અને પૃથ્વીને વધુ હરિયાળી અને સ્વચ્છ બનાવીશું.બરાબરને ?
