જિલ્લા ક્ષય એકમની સમયસરની સારવારને લીધે આજે હું સ્વસ્થ જીવન મેળવી શક્યો છું – સંજયભાઈ કંચારા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     એક સમયે અસાધ્ય રોગ ગણાતા અને રાજરોગ તરીકે ઓળખાતો ક્ષય રોગ આજે નવીન સંશોધનો અને આધુનિક ચિકિત્સા અને દવાઓના કારણે મટાડી શકાય તે પ્રકારનો રોગ રહ્યો છે. આ રોગ ચેપી પ્રકારનો રોગ છે અને તેને અટકાવવા માટે દવા સાથે પૂરતી પરેજી પાળવી પણ જરૂરી છે.

આજે ટી.બી. મુક્ત પંચાયતોને સન્માનિત કરવાના કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટી.બી.થી મુક્ત બનેલા તાલાલાના સંજયભાઈ કંચારાએ પોતે કઈ રીતે ટી.બી.થી મુક્ત થયાં તેની વાત રજૂ કરી હતી.

સંજયભાઈએ જણાવ્યું કે, મને વારંવાર ઉધરસ આવતી હતી અને ગળફામાં લોહી પણ પડતું હતું. આની ગંભીરતાં જણાતાં મે જિલ્લા ક્ષય એકમનો સંપર્ક કર્યો હતો. જ્યાં ઉપસ્થિત તબીબોએ મારૂ તબીબી નિદાન કરીને ક્ષય હોવાનું જણાતાં છ મહિના સુધીની ડોટ્સની સારવાર લેવાનું જણાવ્યું હતું.

જિલ્લા ક્ષય એકમના ઉપયોગી માર્ગદર્શન અને સલાહ લઈને મેં છ મહિના સુધી પૂરતી તકેદારી અને કાળજી લેવા સાથે છ મહિના સુધી ડોટ્સની સારવાર લીધી હતી અને આજે હું ટી.બી. મુક્ત બન્યો છું. મારા ટી.બી. મુક્ત બનવા સાથે મારા ઘરના સભ્યોને પણ હું સુરક્ષિત બનાવી શક્યો છું. જો મેં સારવાર ન કરાવી હોત તો મારા સમગ્ર ઘર અને આસપાસના પડોશીઓને પણ તેનો ચેપ લાગુ પડ્યો હોત. 

જિલ્લા ક્ષય એકમ દ્વારા પોતાની નિયમિત દવાઓ આપવા સાથે જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન ઉપયોગી બન્યું હતું. જેના કારણે આજે હું સંપૂર્ણપણે સ્વસ્થ બન્યો છું. તેવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment