જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ મફતીયાપરા વિસ્તારના જાહેર રસ્તાની બન્ને બાજુ આવેલા દબાણો દૂર કરવા બાબત, વેલણ સાંથણીમાં ફાળવાયેલ જમીનની માપણી, રેકર્ડમાં ખોટી રીતે નામ રદબાતલ કરવા, તાલાલાના ગીરીનામા ચોક તથા જાહેર રસ્તાઓ પરથી અનધિકૃત દબાણ દૂર કરવા, કેસરીયા ગામે ધણશેર નામે ઓળખાતા રસ્તામાં મેટલ કામ, માપણીની પ્રક્રિયા, કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વગર બનાવવામાં આવેલ રસ્તાઓ, ગેરકાયદેસર બાંધકામ, વીજકામ, ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા, જમીનની માપણી, ગેરકાયદેસર બાંધકામ વગેરે જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી. 

અરજદારોના તમામ પ્રશ્નો અને મુશ્કેલીઓને ધ્યાનથી સાંભળી કલેકટરએ સંલગ્ન વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરએ અરજદારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે અને સમયમર્યાદામાં નિકાલ થાય એ દિશામાં નિયમોનુસાર ઝડપી કામગીરી કરવા માટે શીર્ષ અધિકારીઓને તાકિદ કરી હતી.

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિત પી.જી.વી.સી.એલ, ખેતીવાડી, ફિશરીઝ સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ અને અરજદારઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Related posts

Leave a Comment