હિન્દ ન્યુઝ, વડોદરા
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્રારા નવેમ્બર માસમાં “રાષ્ટ્રીય એડોપ્શન જાગૃતિ માસની ઉજવણી” કરવામાં આવે છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા અને મિરેકલ ફાઉન્ડેશન ઇન્ડિયા દ્રારા “દરેક બાળક માટે પ્રેમાળ કુંટુંબ” વિષય આધારિત કુંટુંબ આધારિત વૈકલ્પિક સંભાળ કાર્યક્રમ અંતર્ગત બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં બાળ સંભાળ ગૃહો/જિલ્લા બાળ સુરક્ષા એકમના નવીન નિમણુક પામેલ કર્મચારીઓ જેવા કે અધિક્ષકો, પ્રોબેશન ઓફિસર, સોશ્યલ વર્કર, ગૃહપિતા/ગૃહમાતા, કાઉન્સેલર, હિસાબનીશ, આઉટરીચ વર્કર, શિક્ષકો, પેરામેડીકલ સ્ટાફ, રસોયા, હેલ્પર કામ ગાર્ડ અને હાઉસકીપરે ભાગ લીધો હતો. આ તાલીમમાં બાળ સંભાળ ગૃહોના બાળકોનું પરિવારમાં સામાજિક પુન:સ્થાપન કઈ રીતે કરી શકાય તે અંગેની સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તમામ બાળ સંભાળ ગૃહોના અધિકારી / કર્મચારીઓને, જુવાનાઈલ જસ્ટિસ એકટ ૨૦૧૫, પોક્સો એક્ટ ૨૦૧૨, મિશન વાત્સલ્ય, કચેરી કાર્યપદ્ધતિ અને કર્મચારીઓની જવાબદારી અને ફરજો પર વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં મિરેકલ ઇન્ડિયા ફાઉન્ડેશનના સ્ટેટ હેડ ગીતાબેન દેસાઈ, પ્રોગ્રામ મેનેજર જયેશભાઈ મુંઢવા, પ્રોગ્રામ ઓફિસર પ્રાચીબેન મહેતા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંકભાઈ ત્રિવેદી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા ઉપસ્થિત રહ્યા હતા.