હિન્દ ન્યુઝ, વડોદરા
વિજય ખરાડીએ આજે જિલ્લાના મતદાર નોંધણી અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી શહેરમાં નવા બનતા વિસ્તારોના મતદારોનો જોડવા ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને વડોદરાના ઇલેક્ટરોલ ઓબ્ઝર્વર વિજય ખરાડીએ આ સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, શહેરની આસપાસમાં નવા બનતા વિસ્તારોમાં વસવાટ કરવા માટે આવતા લોકોના નામો પણ મતદાર યાદીમાં ઉમેરાય તે માટે ખાસ પ્રકારની ઝૂંબેશ યોજવી જોઇએ.
તેમણે એમ પણ જણાવ્યું કે, મહાપાલિકાના જન્મ મરણ નોંધ, સ્કૂલના જનરલ રજીસ્ટરના આધારે યુવા મતદારોને શોધીને તેમના નામો મતદાર યાદીમાં દાખલ થાય તેવી પણ તકેદારી રાખવી જોઇએ. આ ઉપરાંત ઓનલાઇન મળેલી અરજીઓ, ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન બીએલઓને મળેલી અરજીઓ ઉપર ત્વરિત નિર્ણય લઇ નિકાલ કરવો જોઇએ.
આ ઉપરાંત ખરાડીએ સંભવિત વસ્તી વૃદ્ધિ દરની સાપેક્ષે મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોને ધ્યાને રાખી આવું પ્રમાણ જ્યાં ઓછું હોય ત્યાં નોંધણીની ઝૂંબેશ સઘન કરવા પણ મતદાર નોંધણી અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત નાયબ કલેક્ટરો, મામલતદારોને આવી ઝૂંબેશનું સતત નિરીક્ષણ કરતા કહેવા પણ સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રજાના દિવસોમાં યોજાયેલી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રને નવા મતદારો માટેના ૭૨૨૧, ફોર્મ ૬ બી ૧૧૬૬, ફોર્મ-૭ ૫૦૬૭, ફોર્મ – ૮ ૧૮૦૦૩ મળી કુલ ૪૧૧૫૦ ફોર્મ મળ્યા હતા. ૨૦૨૪ના વર્ષની છેલ્લી ફાયનલ મતદાર યાદીની સાપેક્ષે ૨૩૪૨૩ મતદારોની વૃદ્ધિ થઇ છે. મહત્વની વાત તો એ છે કે, આ વખતે પુરુષોની સાપેક્ષે મહિલાઓની નોંધણીનું પ્રમાણ વધારે છે. આ વખતે ૯૧૭૧ પુરુષની સામે ૧૪૨૪૪ મહિલાઓએ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધવા માટે અરજી કરી છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુ સુહાની કૈલા ઉપરાંત નાયબ કલેક્ટરો, મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.
