હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન, ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલશ્રીની કચેરી દ્વારા આજે ૭૫ માં બંધારણ દિવસની ઉજવણી વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં બંધારણના આમુખનું સૌએ વાંચન કર્યું હતું.
કાયદાના તજજ્ઞો દ્વારા બંધારણ અને તેના સિધ્ધાંતો, નાગરિકના મૂળભૂત અધિકારો અને ફરજો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એસ.ગઢવીએ ભારતના બંધારણના પાયાના સિધ્ધાંતોને સ્તંભ ટકાવી રાખવા તેમજ સમાજ ઘડતર માટે બંધારણની જરુરિયાત વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે વાણી-સ્વતંત્રતા સહિતના મૌલિક અધિકારો વિશે પણ વાત કરી હતી.
વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે યોજાયેલ ‘બંધારણ દિવસ’ની ઉજવણીના અવસરે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાન્તકુમાર સેનાપતિએ અધ્યક્ષીય સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા શ્રી ડૉ.બી.આર.આંબેડકર અને તે સમયના કાનૂનવીદોએ અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરીને વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ બનાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઉત્કૃષ્ટ એવું આ બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. દેશના નાગરિકો વચ્ચે સમાનતા, બંધુતા જળવાઈ રહે તેની સાથે ભારતીય સંસ્કૃતિ પણ આગળ વધતી રહે તેનો ખ્યાલ તેમાં રાખવામાં આવ્યો છે.
આ અવસરે સ્પીપા એન્ડ પી.ટી.એસ. ના વ્યાખ્યાતા ડૉ..કે.જે.વૈશ્નવ, કે.એમ.કોટક, ડિમ્પલબેન વ્યાસે બંધારણની રચના, સિધ્ધાંતો, મૂળભૂત અધિકારો, ફરજો સહિતની વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, પ્રાંત અધિકારી વિનોદ જોષી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચા, વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ એસ.એન.સવાણી, અગ્રણી મહેન્દ્રભાઇ પીઠિયા, ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં કાયદા જગતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી. વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.