ગીરગઢડા ખાતે કામધેનું વાણિજ્ય સંકુલમાં દુકાનધારકો સાથે થયેલી છેતરપિંડી અંગે દુકાનદારો આગળ આવી રજૂઆત કરે તેવી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અપીલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં બીનઅધિકૃત દબાણો દૂર કરવાનું કાર્ય અભિયાનરૂપે કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર કડક હાથે અનધિકૃત દબાણ હટાવવા પૂરઝડપે કાર્ય કરી રહ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં ગીરગઢડા ખાતે સરકારી જમીન પરની 300 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી.

જે પૈકી ગીરગઢડા તાલુકાના જામવાળા રોડ પર સર્વે નં.32 પર રાધાવલ્લભ ગૌશાળા ટ્રસ્ટ તથા સોનાપુર જિર્ણોદ્ધાર સમિતિ સંચાલિત કામધેનું વાણિજ્ય સંકુલ ઉભું કરવામાં આવેલું હતું. જેમાં 30 જેટલી દુકાનોનું બાંધકામ સરકારી જમીન પર દબાણ કરીને અનધિકૃત રીતે કરવામાં આવેલું હતું. તેવું માલૂમ પડતાં તેને પણ તોડી પાડવામાં આવી હતી.

વિગતો મુજબ 30 જેટલી આ વાણિજ્ય દુકાનોને ટ્રસ્ટીઓ દ્વારા અનધિકૃત રીતે પાઘડી દ્વારા અમુક નાણાં લઈને જાહેર હરાજીથી વેંચી દેવામાં આવી હતી. આ રીતે દુકાન લેવાથી જે-તે ખરીદનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.

આ દુકાનો લેનાર અમુક દુકાનદારોએ આ બાબતે ગીરગઢડા મામલતદાર સમક્ષ આ અંગે છેતરપિંડી થયા અંગેની લેખિત નિવેદન આપેલ છે. બાકી છેતરાયેલા લોકો પણ આ અંગે આગળ આવે અને પોતાની રજૂઆત કરે જેથી અન્ય લોકો સાથે છેતરપિંડી ન થાય અને ભવિષ્યમાં આવા બનાવ ન બને અને લોકો કાળજી લેતા થાય તે માટે આવા લોકો આગળ આવે અને પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગેની સાચી હકિકત તંત્ર સમક્ષ રજૂ કરે તે માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ અપીલ કરી છે.


Advt.

 

 

 

Related posts

Leave a Comment