ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

લોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

 ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. જેમાં ચૂંટણીઓ દરમ્યાન લાઉડ સ્પીકરના વ્યાપક ઉપયોગ ઉપર નિયંત્રણો રાખવા આદેશો કરવામાં આવેલ છે. લાઉડ સ્પીકરના ઉપયોગના કારણે અવાજનું પ્રદૂષણ તથા ઘોંઘાટના કારણે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, વૃધ્ધો, અશકત અને બીમાર વ્યકિતઓને વિપરીત અસર થાય છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને લોકો/જાહેર પ્રજાને ધ્વની પ્રદુષણથી મુક્ત રાખવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર સતાની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ છોટાઉદેપુર દ્વારા જિલ્લાના તમામ વિસ્તારમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર આથી પ્રતિબંધ ફરમાવેલ છે.

ચૂંટણીપ્રક્રિયા દરમ્યાન સભા/સરઘસ કે રેલીમાં લાઉડસ્પીકરનો ઉપયોગ સવારના ૬:૦૦ કલાક પહેલા અને રાત્રિના ૧૦.૦૦ કલાક પછી કરી શકાશે નહિ. વધુમાં આ બાબત સ્થાનિક કાયદો અને સબંધિત વિસ્તારની સલામતી વ્યવસ્થાની સ્થિતિ અને હવામાનની સ્થિતિ, તહેવારો, ઋતુ, પરીક્ષાનો સમયગાળો વગેરે જેવી અન્ય સુસંગત વિચારણાને આધિન રહેશે. ચૂંટણી પ્રચારના કામે વાહન ઉપર લગાડેલ ફરતા લાઉડસ્પીકરનો ઉપયોગ સવારના ૬:00 કલાક પહેલા અને રાત્રિના ૧૦:૦૦ કલાક પછી કરવો નહિ. સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલ હોય તે સિવાય કોઇ સ્થળે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો નહિ. તદુપરાંત લાઉડસ્પીકરના ઉપયોગ વખતે જાહેર પર્યાવરણ અને શાંતિનો ભંગ ન થાય તે જોવાનું રહેશે, સક્ષમ અધિકારીએ લાઉડસ્પીકરના ઉપયોગ માટે આપેલ પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કરેલ ન હોય તોપણ લાઉડસ્પીકરનો ઉપયોગ સવારના ૬:૦૦ કલાક પહેલાં અને રાત્રિના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિ. આ હુકમનુ ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે

આ હુકમ તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪(બંને દિવસો સહીત) સુધી છોટાઉદેપુર જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

 

 

Related posts

Leave a Comment